રાજકોટ : સામાન્ય રીતે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામની પાછળ પિતાનું નામ હંમેશા લખવામાં આવે છે પરંતુ અમુક કિસ્સામાં માતાનું નામ લખાવવા બાબતની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખી રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી શૈક્ષણિક દસ્તાવેજોમાં માતાનું નામ ઉમેરવા મંજૂરી આપતો પરિપત્ર દરેક પ્રાથમિક શિક્ષણ નિયામક અને વિભાગને મોકલી આપ્યો છે. મધ્યાહન ભોજન વિભાગ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિગેરેને પણ તાકીદ કરી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક રેકર્ડ જેવા કે પ્રવેશ ફોર્મ, પરીક્ષા ફોર્મ, ગુણપત્રકો વિગેરેમાં માતા-પિતા બન્નેના નામ લખવા પરિપત્ર જાહેર કરાયો છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકના તા. 15-4-98ના પત્રથી સૂચનાઓ આપવામાં આવી છે તેના અનુસંધાને હાલ જેમ બાળકની પાછળ પિતાનું નામ લખાય છે તેમ માતાનું નામ લખવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. આ બાબતે શિક્ષણ વિભાગના ઉપસચિવ બચુભાઇ માચીએ પરિપત્ર જાહેર કરી તેનો અમલ કરવા દરેક જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીને તાકીદ કરી છે. રાજ્ય સરકારની કાળજીપૂર્વકની વિચારણા બાદ એમ ઠરાવ્યું હતુ કે જો બાળક નામની પાછળ તેના વાલી તરીકે માતાનું નામ લખવા માંગણી કરે તો માતાનું નામ લખવું આવા કિસ્સામાં માતાનું નામ લખ્યા બાદ પિતાનું નામ લખવામાં આવશે નહીં. જેમ કે, મનિષ આશાબેન પટેલ તેમ દર્શાવી શકાય.