અથડામણમાં શહીદ થયેલા જવાનનો નશ્વરદેહ જમ્મુથી અમદાવાદ લવાયો, મોટી સંખ્યામાં અંતિમ વિદાય આપવા જનમેદની ઉમટી
- જમ્મુથી અમદાવાદ લવાયો શહીદનો નશ્વરદેહ
- મહિપાલસિંહ અમર રહોના નારા વચ્ચે મુખ્યમંત્રી પહોંચ્યા
- અંતિમ વિદાય આપવા જનમેદની ઉમટી પડી
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે શુક્રવારે સાંજે થયેલી અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે.જેમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળાનો પણ સમાવેશ થાય છે.આજે 4 વાગતા શહીદ જવાનનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યો હતો.જ્યાંથી મૃતદેહને એરપોર્ટના મેઘાણીનગર ગેટથી બહાર લાવવામાં આવ્યો હતો.જ્યાં શહીદ જવાનનાં સ્વજનો આવી પહોંચ્યાં હતાં.શહીદ જવાનનો મૃતદેહ તેમના નિવાસસ્થાને લવાયો હતો. અહીંથી લીલાનગર સ્મશાન ગૃહ સુધી અંતિમયાત્રા નીકળશે. મહિપાલસિંહના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા છે.
જવાનની શહીદીથી આખું મોજીદડ ગામ કંપી ઉઠ્યું
ખૂબ જ નાની વયે પોતાનો જીવ દેશની રક્ષા અર્થે આપી દેનાર આ જવાનની શહીદીથી આખું મોજીદડ ગામ કંપી ઉઠ્યું છે અને પરિવારજનોની આંખોમાંથી આંસુઓ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. મહત્વનું છે કે,દેશની રક્ષા કાજે શહીદ થનાર મહિપાલસિંહના પત્ની ગર્ભવતી છે. મહિના પહેલા જ તેમના પત્નીનું શ્રીમંત યોજાયું હતું. તેમના ઘરે પારણું બંધાવવાનું છે. પરંતુ આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ મહિપાલસિંહ આતંકવાદીઓ સામે સામી છાતીએ લડતા-લડતા શહીદ થયા છે.જેથી શહીદ વીર મહિપાલસિંહ વાળાના આજે રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે વિરાટનગર ખાતેથી શહીદ જવાન મહિપાલસિંહની અંતિમયાત્રા નીકળશે અને લીલાનગર સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દેશસેવા કાજે સર્વોચ્ચ બલિદાન આપનારા સપૂતને શ્રદ્ધાંજલિ આપવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની શક્યતા છે.
પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન લવાયો
મહત્વનું છે કે,શહીદ જવાનનો પાર્થિવ દેહ તેમના નિવાસસ્થાન વિરાટનગર લવાયો છે. જ્યાં હિન્દુ સંસ્કૃતિ મુજબ મહિપાલસિંહ વાળાની અંતિમ વિધિ કરવામાં આવશે. જવાનનો પાર્થિવ દેહ પહોંચતા જ મહિપાલસિંહ અમર રહોના નારા લાગ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ત્યાં આવી પહોંચ્યા અને શહીદ જવાન મહિપાલસિંહના પરિવારજનોને સાંત્વના પાઠવી છે. જોકે, શહીદ જવાનના અંતિમ દર્શન કરવા માટે તેમના નિવાસસ્થાનની બહાર હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા છે. નાના, બાળકો, મહિલા અને વૃદ્ધો સહિત તમામ લોકો આવી પહોંચ્યા છે. શહીદના નિવાસસ્થાન બહાર બંને તરફ એક કિમી સુધી લોકોની ભીડ જોવા મળી રહી છે.
રાજ્ય સરકારના મંત્રી વિરાટનગર પહોંચ્યા
રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ અને એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ સહિત ભાજપના કોર્પોરેટરો પણ વિરાટનગર ખાતે પહોંચ્યા છે. વીર જવાનને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના ભારતીય દેહના દર્શન માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે. શહીદના પાર્થિવ દેહને વંદન કરવા માટે લોકો ધાબા ઉપર ચડી ગયા છે.
આ પણ વાંચો : કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, 3 જવાન શહીદ