જગતના તાત માટે આનંદના સમાચાર:આ વર્ષે ચોમાસુ સારું રહેશે,જાણો હવામાન વિભાગની આગાહી અંગે
અમદાવાદઃ કેરળમાં નેઋત્યનું ચોમાસું ત્રણ દિવસ વહેલું જ શરુ થઈ ગયું હતું ત્યારે હવે ગુજરાતમાં ચોમાસુ ક્યારે આવશે અને વરસાદ કેવો થશે તેને લઈ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. કેરળમાં નેઋત્યનું ચોમાસું ત્રણ દિવસ વહેલું જ શરુ થઈ ગયું હતું ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને વરસાદ કેવો થશે તેને લઈ અમદાવાદ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ સારો રહેશે એવું અનુમાન કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસુ બેસી જશે. કેરળમાં વરસાદ પડ્યાના 15 દિવસ આસપાસ ગુજરાતમાં વરસાદની પધરામણી થતી હોય છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે, આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરુઆત થઈ જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આગામી પહેલી અને બીજી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. ત્યાર બાદ બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત રહેશે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેરળમાં આ વર્ષે 29મી મેના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે દેશમાં ચોમાસું સારુ રહેવાની આશા વ્યક્ત કરી છે. દર વર્ષની ધારણ પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં અનેક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઇ છે. આ વર્ષે રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો સામનો કરવો પડ્યો છે જેને લઇને ખેડૂતોને પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.