વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળી બાદ વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે તેમ છે, ત્યારે તે પહેલા 14મી વિધાનસભાનો અંતિમ ચોમાસુ સત્રની તૈયારી શરૂ કરી લેવામાં આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી તારીખ 22 અને 23 સપ્ટેમ્બરના બે દિવસ માટે યોજાશે. ગુજરાત રાજ્યની 13મી વિધાનસભાના અંતિમ સત્ર દરમિયાન મહત્ત્વના કામકાજ હાથ ધરવામાં આવશે. વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રમાં પહેલા દિવસે દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કામકાજ બંધ રખાશે. જ્યારે સત્રના બીજા દિવસે વિધાનસભાનું કામકાજ હાથ ધરાશે.આ સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજને લઈને તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે બે દિવસના સત્ર દરમિયાન કોંગ્રેસ સરકાર મોંઘવારી, ડ્રગ્સ અને લઠ્ઠાકાંડના મામલે આડે હાથ લેવા માટે રણનીતિ તૈયાર કરી રહ્યુ છે.
આ સિવાય આ વિધાનસભા સત્રમાં મોંઘવારી અને રખડતા ઢોર સહિતના મુદ્દે ગરમાગરમી જોવા મળવાની પૂરી શક્યતા છે. રખડતા ઢોરને કાબુમાં લેવા માટે બજેટ સત્ર દરમિયાન વિધેયક લાવવામાં આવ્યું હતું. આ વિધેયક પસાર કર્યા પછી સરકાર સામે ચારેકોર વિરોધ ઉઠતા આ બિલને રાજ્યપાલની મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું નથી. જેને લઇ સરકાર શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે. ઉલ્લેખનીય છે કે રખડતા ઢોરના ત્રાસથી ઠેર ઠેર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે હાઈકોર્ટના આદેશ પછી તંત્ર એક્ટિવ થઈ ગયું છે. ગુજરાતમાં ત્રણ દિવસની અંદર આ મુદ્દે 7 હજારથી વધુ ઢોરને પકડી લેવાયા છે તો 800થી વધુ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ પ્રમાણે કડક વલણ હોવા છતાં હજુ 40 ટકા જેટલા ઢોરને પકડવાનું બાકી છે.