રાજ્યમાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં છે, કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે આ ગરમીથી આ વર્ષે વ્હેલો છુટકારો મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. એટલે કે આ વખતે ગુજરાતમાં ચોમાસુ વહેલું આવશે. રાજ્યના હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે. હાલ મોનસૂન આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 27મી મેએ ચોમાસું કેરળ પહોંચશે, એટલે કે આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું પહોંચશે.
જૂનના પહેલાં અઠવાડીયે જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ શકે છે
ગુજરાતમાં સામાન્ય કરતાં વ્હેલું ચોમાસું બેસી શકે છે. જેના પગલે જૂનની શરૂઆતમાં જ પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ જશે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે. ગુજરાતના પૂર્વ ભાગમાં હાલ વરસાદ સારો જણાય છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ સામાન્ય કરતાં ઓછો પડી શકે છે.
કેરળમાં ચોમાસું 27 મેના રોજ પહોંચી જવાની શક્યતા
ભારતમાં મોનસૂનની શરૂઆત સત્તાવાર રીતે કેરળમાં મેઘરાજાના આગમનની સાથે થતી હોય છે. ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસું તેના નિયત સમય 31 મે અથવા 1 જૂન કરતા પાંચ દિવસ વહેલું એટલે કે 27 મેના રોજ પહોંચી જવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના આંકલન મુજબ રાજ્યમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચી શકે છે. જો કે, આ ચોમાસું આંદમાન નિકોબારથી કેરળ લઇને ત્યાંથી આગળ કેટલે સુધી પહોંચે છે તેની પર સમગ્ર મદાર રહેલો છે.