અમદાવાદ, 10 ઓગસ્ટ 2024 હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાત માટે આગામી એક સપ્તાહ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે આજે આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.પવનની ઝડપ 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે જેથી હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી
મોન્સૂન ટ્રફ બિકાનેર ઉપર સ્થિત થયો છે ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. મોટા ભાગે આગામી સપ્તાહમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી સપ્તાહમાં છૂટાછવાયાં સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 ઓગસ્ટ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદ
આ ઉપરાંત 01 જૂનથી ગુજરાતમાં 514 મિમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 462 મિમી કરતાં 11 ટકા વધુ છે. તો સૌરાષ્ટ્રમાં 458 મિમી જેટલો વરસાદ વરસ્યો છે, જે સામાન્ય 355 મિમી કરતાં 29% જેટલો વધુ છે. આગામી 16 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડાતા સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ પર, 61 ગામો એલર્ટ