ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી
![Text To Speech Text To Speech](https://www.humdekhenge.in/wp-content/themes/jannah/assets/images/play.png)
![Weather update](https://www.humdekhenge.in/wp-content/uploads/2024/01/cold.jpg)
- અમદાવાદમાં રાત્રીનું તાપમાન 15.4 ડિગ્રી પહોંચ્યું
- 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે
- સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં શુષ્ક હવામાનની સંભાવના
ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે. જેમાં રાજયમાં ઠંડીનો ચમકારો વધતો જાય છે, ત્યારે સવારે ઠંડી અને બપોરે ગરમીનું બેવડી ઋતુનો અહેસાસ થાય છે. રાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં રાત્રીનું તાપમાન 15.4 ડિગ્રી પહોંચ્યું
અમદાવાદમાં રાત્રીનું તાપમાન 15.4 ડિગ્રી પહોંચ્યું હતું. તેમજ રવિવારે રાજ્યમાં ઠંડા પવનની લહેર વર્તાઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી સાત દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં શુષ્ક હવામાનની સંભાવના છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે ઠંડા પવનની અસર વર્તાઈ હતી. બીજી તરફ, રાત્રી અને વહેલી સવારના સમયે ઠંડુ વાતાવરણ રહે છે. જેમાં 29મી નવેમ્બરની રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે
રાત્રે 15.4 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. આમ રાત્રીના સમયે તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. હવામાન નિષ્ણાતોના મતે અમદાવાદમાં ડિસેમ્બરમાં પણ પ્રથમ આઠ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના નહીંવત્ છે. હવામાન વિભાગ મુજબ, આગામી સાતમી ડિસેમ્બર સુધી લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીની આસપાસ જ રહી શકે છે. આ પછી પારો તબક્કાવાર ઘટવા લાગતાં ઠંડીમાં વધારો અનુભવાશે. 20મી ડિસેમ્બર બાદ પારો 11 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.