ભારતીય એરપોર્ટ ઉપર અપાતા પાસમાં દેશનો નકશો ખોટો છપાયો, તુરંત જ લેવાયો આ નિર્ણય
દેશભરના કેટલાક મહત્વપૂર્ણ અને મોટા એરપોર્ટ ઉપર બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) એ ભારતનો ખોટો નકશો દર્શાવતા એરપોર્ટ પાસ અંગે એક મોટું પગલું ભર્યું છે. BCASએ આ મામલે દેશભરના એરપોર્ટ પર કર્મચારીઓ અને મુલાકાતીઓને આપવામાં આવેલા તમામ પાસ પરત ખેંચી લીધા છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે એરપોર્ટ પર કર્મચારીઓ અને મુલાકાતીઓને આપવામાં આવેલા તમામ પાસ પર ભારતનો ખોટો નકશો છપાયેલો હતો. જે બાદ આ પગલું ભર્યું હતું.
ખોટા પાસ ક્યાં એરપોર્ટ ઉપર જોવા મળ્યા હતા ?
આ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) દ્વારા સંચાલિત તમામ એરપોર્ટ અને અદાણી જૂથ દ્વારા સંચાલિત છ એરપોર્ટ – અમદાવાદ, જયપુર, લખનૌ, તિરુવનંતપુરમ, ગુવાહાટી અને મેંગલુરુ દ્વારા જારી કરાયેલ પાસમાં થયું હતું. આ પાસ પર જમ્મુ અને કાશ્મીર, નોર્થ ઈસ્ટર્ન રિજન, રાજસ્થાન અને ગુજરાતના નકશા ખોટી રીતે દર્શાવવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ મામલે BCASને જવાબ આપ્યો છે. આના પર, AAIના પ્રમુખે BCASને લખેલા પત્રમાં જણાવ્યું છે કે જે ‘એમ્બેડેડ હોલોગ્રામ રોલ’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે BCAS દ્વારા મંજૂર કરાયેલ સેમ્પલ હોલોગ્રામને અનુરૂપ નથી.
આ ઘટના અંગે AAI દ્વારા તપાસ કરાશે
BCAS દ્વારા જારી કરાયેલા પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હોલોગ્રામ સાથે જારી કરાયેલ તમામ એરોડ્રોમ એન્ટ્રી પરમિટ્સ (AEPs) પાછી ખેંચી લેવાનો નિર્દેશ આપવામાં આવે છે અને આ હોલોગ્રામ આગળ છાપવાનું તાત્કાલિક અસરથી બંધ કરવું જોઈએ. BCAS એ પણ માહિતી આપી છે કે AAI આ મામલાની તપાસ કરશે. તપાસમાં જાણવા મળશે કે કયા સ્તરે ક્ષતિ થઈ છે. આ હોલોગ્રામ રોલ્સ મેળવવા પાછળ કોણ જવાબદાર છે તેની પણ તપાસ કરવામાં આવશે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે AAIને આ મુદ્દે BCASને વહેલામાં વહેલી તકે કાર્યવાહીનો અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.