મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં નહાતી યુવતીઓના વીડિયો લીક થવાના મામલામાં આરોપી વિદ્યાર્થીનીના બોયફ્રેન્ડની શિમલાથી ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ બોયફ્રેન્ડની પૂછપરછ કરી રહી છે જેમાં તેના દ્વારા અનેક ખુલાસા કરવામાં આવી રહ્યા છે. આરોપી વિદ્યાર્થીની બાદ આ કેસમાં આ બીજી ધરપકડ છે. વિદ્યાર્થીનીઓનો વીડિયો લીક થવાના કિસ્સાએ જોર પકડ્યું છે. ત્યારે યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગ છે કે પ્રશાસન અને યુનિવર્સિટી મેનેજમેન્ટે આ બાબતને દબાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેવામાં વધતા હોબાળાને જોતા યુનિવર્સિટી પ્રશાસને 2 દિવસ (19 અને 20 સપ્ટેમ્બર) માટે અભ્યાસ બંધ રાખવાની જાહેરાત કરી છે. એટલે કે 2 દિવસને નોન ટીચિંગ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો દાવો છે કે આરોપી વિદ્યાર્થીનીએ 50-60 છોકરીઓના નહાતી હોવાના વીડિયો રેકોર્ડ કર્યા છે.
આરોપી વિદ્યાર્થીનીની પહેલેથી જ ધરપકડ કરવામાં આવી છે
મોહાલી યુનિવર્સિટીના સ્ટુડન્ટસ વેલફર ઓફિસરે જણાવ્યું છે કે એક વિદ્યાર્થીની બેહોશ થઈ ગઈ જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની હાલત સ્થિર છે. કોઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો નથી. પોલીસે વીડિયો બનાવનાર આરોપી વિદ્યાર્થીનીની ધરપકડ કરી લીધી છે. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવામાં આવી છે. આરોપી વિદ્યાર્થીનીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અફવાઓથી દૂર રહેવા પંજાબના સીએમએ ટ્વીટ કર્યું
આ મામલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે ચંદીગઢ યુનિવર્સિટીની ઘટના સાંભળીને દુઃખ થયું છે. અમારી દીકરીઓ અમારું ગૌરવ છે. ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે જે પણ દોષિત હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હું વહીવટીતંત્રના સતત સંપર્કમાં છું. હું દરેકને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરું છું.
વિદ્યાર્થીનીનો મોબાઈલ તપાસ માટે મોકલાયો : એસ.એસ.પી
મોહાલીના એસએસપી વિવેક સોનીના જણાવ્યા અનુસાર, આરોપી વિદ્યાર્થીનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. આરોપી વિદ્યાર્થીનીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે તેણે અન્ય કોઈ વિદ્યાર્થીનીનો વીડિયો રેકોર્ડ કર્યો નથી. હવે અમે આ મામલે પણ તપાસ કરી રહ્યા છીએ અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે વીડિયો શા માટે ત્યાં મોકલવામાં આવ્યો ?