‘હનુમાન’ ફિલ્મના મેકર્સે ભારતની પ્રથમ મહિલા સુપરહીરો ફિલ્મ ‘મહાકાલી’ની કરી જાહેરાત
- ‘હનુમાન’ ફિલ્મ માટે એટલો ક્રેઝ હતો કે માત્ર હિન્દી વર્ઝનથી જ ફિલ્મે 50 કરોડથી વધુની કમાણી કરી હતી
મુંબઈ, 11 ઓક્ટોબર: આ વર્ષે રિલીઝ થયેલી પૅન ઇન્ડિયા ફિલ્મ ‘હનુમાન’ જેટલો ધમાકો ભાગ્યે જ કોઈ અન્ય ફિલ્મે કર્યો છે. હિન્દીમાં ‘હનુમાન’ માટે એટલો ક્રેઝ હતો કે માત્ર હિન્દી વર્ઝનથી જ ફિલ્મે 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે ‘હનુમાન’ના નિર્માતાઓએ તેમના નવા પ્રોજેક્ટ ‘મહાકાલી’ની જાહેરાત કરી છે, જેને ભારતની પ્રથમ મહિલા સુપરહીરો ફિલ્મ કહેવામાં આવી રહી છે.
તેલુગુ ઈન્ડસ્ટ્રીની હનુમાન ફિલ્મ તોફાનની જેમ આવી અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. ‘હનુમાન’ના હીરો તેજ સજ્જા હતા, જે પોતાની જ ઈન્ડસ્ટ્રીમાં હજુ કોઈ મોટું નામ નથી. ‘હનુમાન’ ફિલ્મે મર્યાદિત બજેટમાં તૈયાર કરેલી સ્ટોરી અને ઉત્તમ VFXના આધારે જ મોટી કમાણી કરી હતી. 40 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે 295 કરોડથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું.
‘મહાકાલી’ ફિલ્મ કરશે ધડાકો
‘હનુમાન’ના દિગ્દર્શક પ્રશાંત વર્માએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે, તેઓ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત એક નવું ફિલ્મ યુનિવર્સ બનાવવા જઈ રહ્યા છે, જેનું નામ પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ (PVCU) હશે. ‘મહાકાલી’ આ યુનિવર્સમાં એક નવું સુપરહીરો પાત્ર અને સ્ટોરી લાવી રહ્યું છે, જેની પ્રથમ ઝલક ખૂબ જ શક્તિશાળી છે. નિર્માતાઓએ દુર્ગા સપ્તમીના દિવસે આ ફિલ્મની જાહેરાત કરી છે, જેનું મુખ્ય પાત્ર મા કાલીથી પ્રેરિત છે.
‘મહાકાલી’ના જાહેરાતના વીડિયોમાં ઉત્તમ થીમ મ્યુઝિક છે. વીડિયોમાં નવા સુપરહીરોના પાત્ર વિશે લખવામાં આવ્યું છે, ‘તે શાંતિ અને અરાજકતા બંને છે. તે મૌન અને ગર્જના બંને છે. સૃષ્ટિની સાથે વિનાશ પણ છે… મહાકાલી. વીડિયોના અંતમાં એક પોસ્ટર છે જેમાં એક છોકરી સિંહના માથાને અડકીને માથું લગાવે છે.
‘મહાકાલી’ની સ્ટોરી સ્ટીરિયોટાઇપ્સ તોડી નાખશે
અહેવાલો મુજબ, ‘મહાકાલી’ની સ્ટોરી પશ્ચિમ બંગાળમાં સેટ કરવામાં આવશે. ફિલ્મની સ્ટોરી અને પટકથા PVCU સર્જક પ્રશાંત પોતે લખી રહ્યા છે, જ્યારે નિર્દેશક પૂજા અપર્ણા કોલ્લુરુ હશે. ફિલ્મમાં મા કાલીનું પાત્ર એક ડાર્ક સ્કીનવાળી યુવા અભિનેત્રી ભજવશે, જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
મળતી માહિતી મુજબ, ‘મહાકાલી’ ભારતીય સિનેમામાં મહિલાઓની સુંદરતા વિશેના સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખશે અને સુંદરતાના ધોરણોને ફરીથી નિર્ધારિત કરશે. જો કે ભારતીય સિનેમામાં બહુ ઓછા સુપરહીરો પ્રોજેક્ટ બન્યા છે, પરંતુ ‘મહાકાલી’ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સુપરહીરો ફિલ્મ હશે.
નિર્માતાઓએ તેની જાહેરાત સાથે ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી નથી. ફિલ્મના થીમ મ્યુઝિક અને એનાઉન્સમેન્ટ વીડિયોમાં પોસ્ટરનો લુક દ્વારા વાતાવરણ સેટ કરવામાં આવ્યું છે, જે ‘મહાકાલી’ એક જબરદસ્ત સ્ટોરી લઈને આવી રહી હોવાનું સૂચવે છે.
પ્રશાંત વર્માએ તેમના યુનિવર્સ માટે ખૂબ જ શક્તિશાળી પ્લાન બનાવ્યા છે. તેણે થોડા મહિના પહેલા ‘હનુમાન 2’ની જાહેરાત પણ કરી હતી. એવા પણ અહેવાલ હતા કે, તેમણે રણવીર સિંહ સાથે તેના યુનિવર્સની ફિલ્મમાં કામ કરવા માટે વાત કરી હતી. દિગ્દર્શકે પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, રણવીર સાથેની તેમની યોજનાઓ હજુ સુધી ફાઈનલ થઈ નથી, પરંતુ બંને ભવિષ્યમાં ચોક્કસ કંઈક રોમાંચક કરવાનો પ્રયાસ કરશે.
આ પણ જૂઓ: Big B Birthday/ 43 વર્ષમાં ન બની શકી અમિતાભ- રેખાની જોડી, અભિનેત્રીએ જણાવ્યું કારણ