ગુજરાત ચૂંટણીના મતદાન દિવસ માટે મહારાષ્ટ્ર સરકારે ખાસ ઓર્ડર બહાર પાડ્યો
રાજ્યમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે ત્યારે મતદાન માટે લોકોને તમામ સુવિધા મળી રહે તે માટે પડોશી રાજ્યમાં પણ કાળજી રાખવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને એક દિવસની રજા આપી છે.
આ માટે મહારાષ્ટ્રની શિંદે સરકારે તમામ ખાનગી કંપનીઓને કહ્યું છે કે જો તેઓ આ આદેશનું પાલન નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, કંપનીઓ પગાર કાપી શકતી નથી.જેના માટે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા જીઆર રજુ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છેકે, રાજ્યની સરહદી વિસ્તારમાં આવેલા જિલ્લાઓ જેવા કે, પાલઘર, નાસિક, નંદુરબાર અને ધુલીયામાં કામ કરતાં ગુજરાતી મતદારોને એક દિવસની રજા આપવામાં આવે.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું અંતિમ ચિત્ર આવ્યું સામે, કુલ 1621 મુરતિયા મેદાનમાં
મહારાષ્ટ્ર સરકારે આ માટે તમામ ખાનગી કંપનીઓને તેનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે. આદેશનો ભંગ થશે તો કાર્યવાહી કરવામાં આવશે. જેના માટે ગુજરાતના વલસાડ, તાપી, સુરતથી લઈ ભરૂચ સુધીના મતદારો કામકાજ અર્થે મહારાષ્ટ્રમાં જતાં હોય છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. અને પરિણામ 8મી ડિસેમ્બરે આવશે. ગુજરાતના 33 જિલ્લાની 182 વિધાનસભા બેઠકોમાંથી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થવાનું છે જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે.