મહાકુંભનો મહાઉત્સવ શરૂઃ બીજું શાહી સ્નાન મકરસંક્રાતિએ, શું હોય છે મહત્ત્વ?
- આજે પોષી પૂર્ણિમાના દિવસે પહેલા શાહી સ્નાન સાથે મહાકુંભનો આરંભ થઈ ચૂક્યો છે. મકરસંક્રાતિના દિવસે બીજું શાહી સ્નાન યોજાશે
HD ન્યુઝ ડેસ્કઃ મહાકુંભનો મહાઉત્સવ પોષી પૂર્ણિમાના દિવસથી શરૂ થઈ ચૂક્યો છે. આજે (સોમવારે) પૂર્ણિમાનું પ્રથમ શાહી સ્નાન છે. આજે એક કરોડ ભક્તો ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને ધન્યતાનો અનુભવ કરશે. સંગમ ઘાટ સહિત 12 કિલોમીટરના વિસ્તારમાં સ્નાનધાટ બનાવવામાં આવ્યો છે. 144 વર્ષ બાદ દુર્લભ સંયોગમાં આ મહાકુંભ યોજાઈ રહ્યો છે. ગૂગલે ખુદ આ મહાકુંભ માટે એક ખાસ ફીચર શરૂ કર્યું છે, તમે મહાકુંભ ટાઈપ કરો અને ફુલોનો વર્ચ્યુઅલ વરસાદ જોવા મળે છે. આજે સવારે (સોમવાર) બ્રહ્મમુહૂર્તમાં શરૂ થયેલા મહાકુંભમા જુના અખાડાના સાધુ-સંતોથી મહાકુંભના શાહીસ્નાનની શરૂઆત કરવામાં આવી હતી. આ આયોજનમાં જર્મની, બ્રાઝીલ, રશિયા, જાપાન સહિત 20 દેશમાંથી વિદેશી ભક્તો સામેલ થયા છે.
મહાકુંભ મેળો એ હિન્દુ ધર્મમાં એક ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન છે. આ વર્ષે તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ધાર્મિક માન્યતાઓ એવી છે કે આ પવિત્ર મહાકુંભમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમમાં સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેના તમામ પાપ ધોવાઈ જાય છે. જાણો મહાકુંભામાં શાહી સ્નાન કે અમૃત સ્નાનનું શું મહત્ત્વ છે? આ પરંપરા કેવી રીતે શરૂ થઈ અને 2025માં કઈ તારીખે શાહી સ્નાન યોજાશે?
પ્રયાગરાજમાં અમૃત સ્નાન અને શાહી સ્નાનની તારીખો-તિથિઓ
મહાકુંભ દરમિયાન કુલ ત્રણ અમૃતસ્નાન થશે, જેમાંથી પ્રથમ અમૃતસ્નાન 14 જાન્યુઆરી, મકર સંક્રાંતિના દિવસે થશે. બીજું અમૃત સ્નાન 29મી જાન્યુઆરીએ મૌની અમાવસ્યાના રોજ અને ત્રીજું 3જી ફેબ્રુઆરીએ વસંત પંચમીના રોજ કરવામાં આવશે. આ ઉપરાંત મહા પૂર્ણિમા, પોષ પૂર્ણિમા અને મહાશિવરાત્રીના દિવસોમાં શાહી સ્નાન કરવામાં આવશે, પરંતુ આ શાહી સ્નાનને અમૃતસ્નાન માનવામાં આવતું નથી.
અમૃત સ્નાન કે શાહી સ્નાન શું છે?
મહા કુંભ દરમિયાન અમુક તારીખો પર જે સ્નાન કરવામાં આવે છે તેને અમૃત સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નાગા સાધુઓને તેમની ધાર્મિક ભક્તિના કારણે પ્રથમ સ્નાન કરવાની તક આપવામાં આવે છે. તેઓ હાથી, ઘોડા અને રથ પર સવાર થઈને રાજસી ઠાઠ-માઠથી અને ધામધૂમથી સ્નાન કરવા આવે છે. આ ભવ્યતાને કારણે તેને શાહી સ્નાન કે અમૃત સ્નાન નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૂર્ય અને ગુરૂ જેવા ગ્રહોની વિશિષ્ઠ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહાકુંભનું આયોજન થતું હોય છે, તેથી અમુક તિથિના સ્નાનને શાહી સ્નાન કહેવામાં આવે છે.
મહાકુંભ 2025 શાહી સ્નાન તારીખ-તિથિઓ
- 13 જાન્યુઆરી (સોમવાર) – શાહી સ્નાન, પોષ પૂર્ણિમા
- 14 જાન્યુઆરી (મંગળવાર) – અમૃત સ્નાન, મકર સંક્રાંતિ
- 29 જાન્યુઆરી (બુધવાર) – અમૃત સ્નાન મૌની અમાવસ્યા
- 3 ફેબ્રુઆરી (સોમવાર) – અમૃત સ્નાન, વસંત પંચમી
- 12 ફેબ્રુઆરી (બુધવાર) – શાહી સ્નાન, મહા પૂર્ણિમા
- 26 ફેબ્રુઆરી (બુધવાર) – મહાશિવરાત્રિનું શાહી સ્નાન
શું હોય છે શાહી સ્નાન કે અમૃત સ્નાન?
ભારતીય સમાજ માટે મહાકુંભ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમાં શાહી સ્નાન (અમૃત સ્નાન) સાથે, મંદિર દર્શન, દાન અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. મહાકુંભમાં ભાગ લેતા નાગા સાધુઓ, અઘોરી અને સન્યાસીઓ હિંદુ ધર્મની ઊંડાઈ અને વિવિધતાને દર્શાવે છે. મહાકુંભનો આ પ્રસંગ ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.
આ પણ વાંચોઃ મેરા ભારત મહાન: મહાકુંભમાં આવેલા રશિયા, સ્પેન અને આફ્રિકાના શ્રદ્ધાળુઓ વ્યવસ્થા જોઈ ચોંકી ગયા
આ પણ વાંચોઃ મહાકુંભ 2025/ સ્ટીવ જોબ્સની પત્નીએ ભગવો ધારણ કર્યો, વ્યાસાનંદ ગિરી મહારાજનો પટ્ટાભિષેક કર્યો