2024 ઓલિમ્પિક્સ ઓપનીંગ સેરેમનીમાં ટીમ ઈન્ડિયાનો જાદુ છવાઈ જશે
29 મે, નવી દિલ્હી: દર ચાર વર્ષે રમાતી ઓલિમ્પિક્સની રાહ તમામ ખેલપ્રેમીઓ કરતા હોય છે. ઓલિમ્પિક્સની તો આતુરતાથી રાહ જોવાતી જ હોય છે પરંતુ સાથેસાથે આ ખેલ મહાકુંભની ઓપનીંગ સેરેમનીનો પણ અલગ જ જાદુ હોય છે. હાલમાં મળતા સમાચાર અનુસાર 2024 ઓલિમ્પિક્સ ઓપનીંગ સેરેમનીમાં ભારતીય દળ એક અલગ જ રૂપમાં જોવા મળશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય દળ જે ડ્રેસમાં આ ઓપનીંગ સેરેમનીમાં ઉતરશે તે ડ્રેસથી સમગ્ર ભારતીય દળનો અંદાજ અન્યોથી અલગ જ પડી જવાનો છે.
આપણને ખ્યાલ જ છે કે આ વર્ષે ઓલિમ્પિક્સનું આયોજન ફ્રાંસની રાજધાની પેરીસમાં થવાનું છે. ઓલિમ્પિક્સ 2024 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. જો ઉદ્ઘાટન સમારંભની વાત કરીએ તો પેરીસની પ્રખ્યાત સેન નદી પર આ કાર્યક્રમ આયોજિત થશે.
આ ઉદ્ઘાટન સમારંભમાં વિવિધ દેશોના લગભગ 10,500 ખેલાડીઓને હોડીઓમાં બેસાડીને સેન નદીમાં છ કિલોમીટર સુધી પરેડ કરાવવામાં આવશે અને દર્શક નદીના કાંઠે બેસીને તેને જોશે. 2024 ઓલિમ્પિક્સ ઓપનીંગ સેરેમનીમાં ભારતીય દળ એક અનોખા પોશાક સાથે ઉતરશે.
આઠ વર્ષ બાદ ભારતીય મહિલા એથ્લીટો આ ઓપનીંગ સેરેમનીમાં સાડી પહેરેલી જોવા મળશે. આ રીતે સાડી ફરીથી આપણી મહિલા એથ્લીટોના ઓફીશીયલ ડ્રેસ કોડ તરીકે પુનરાગમન કરી રહી છે એમ જરૂરથી કહી શકાય. આ વખતે ભારતીય ઓલિમ્પિક સંઘ એટલેકે IOAના પ્રતિકવાળું ભૂરા રંગનું બ્લેઝર આપણી મહિલા એથ્લીટોના ડ્રેસકોડનો હિસ્સો નહીં હોય. તેમની સાડીને એક મેચિંગ બ્લાઉઝ સાથે જોડવામાં આવશે. આ બ્લાઉઝ કેસરિયા રંગનું હશે.
સમાચાર મળી રહ્યા છે કે IOA દ્વારા ભારતીય મહિલા દળના આ ડ્રેસ કોડને મંજૂરી આપી દેવામાં આવી છે.
છેલ્લે 2016માં રિયો ડી જાનેરોમાં થયેલી ઓલિમ્પિક્સમાં આપણી મહિલા એથ્લીટો સાડીના ડ્રેસકોડમાં જોવા મળી હતી. જોકે તે વખતે સાડી ઉપર એથ્લીટોએ બ્લ્યુ રંગનું બ્લેઝર પણ પહેર્યું હતું. તો 2021માં ટોક્યો ઓલિમ્પિક્સમાં મહિલા એથ્લીટોએ સલવાર કમીઝ ઉપર બ્લૂ બ્લેઝર પહેર્યું હતું. તે વખતે પુરુષ એથ્લીટોએ ઊંચા કોલરવાળું સ્વદેશી જેકેટ પહેર્યું હતું.
પરંતુ આ વખતે પેરીસમાં આપણા પુરુષ એથ્લીટો પરંપરાગત લેંઘો-ઝભ્ભો પહેરશે, તેમાં આધિકારિક પ્રતિક સાથે બંડી જેકેટ પણ જોડવામાં આવશે.
અત્રે એ નોધપાત્ર છે કે ઓલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલીવાર સ્ટેડિયમની બહાર ઉદ્ઘાટન સમારંભ થવા જઈ રહ્યો છે.