નેશનલ

દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે ડિસેમ્બરથી થઇ શકે છે કાર્યરત, છ રાજ્યોમાંથી થશે પસાર

  • આ એક્સપ્રેસ વે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એક મોટી પ્રગતિ સમાન
  • 1,386 કિમીમાં ફેલાયેલ અને નવ તબક્કામાં વહેંચાયેલો વિશાળ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થવા પર
  • એક્સપ્રેસ વેનું 80 ટકાથી વધુ કામ થઈ ગયું છે પૂર્ણ

નવી દિલ્હી, 03 જુલાઈ : દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ ડિસેમ્બરથી કાર્યરત થઇ શકે છે. આ હાઇવે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે મુસાફરીના અનુભવને નોંધપાત્ર રીતે વધારવા માટે તૈયાર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આ એક મોટી પ્રગતિ છે. 1,386 કિમીમાં ફેલાયેલ અને નવ તબક્કામાં વહેંચાયેલો આ વિશાળ પ્રોજેક્ટ લગભગ પૂર્ણ થવા પર છે. જેમાં આ વર્ષના અંત સુધીમાં આઠ તબક્કાઓ કાર્યરત થવાની ધારણા છે. હાલમાં એક્સપ્રેસ વેના બે તબક્કાઓ પહેલેથી જ કાર્યરત છે.

80 ટકાથી વધુ કામ પૂર્ણ

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અનુસાર દેશના સૌથી લાંબા એક્સપ્રેસ વે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે – પર 80 ટકાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં દિલ્હીથી વડોદરા સુધીના અંદાજે 845 કિલોમીટરના 96 ટકા કામનો સમાવેશ થાય છે. બાકીનું કામ પણ સમયસર પૂર્ણ થશે.

કેટલાક મહત્વપૂર્ણ વિભાગો ડિસેમ્બર સુધીમાં ખોલવાની અપેક્ષા છે જેમ કે સાપુરથી જવાહરલાલ નેહરુ બંદર (95 કિમી), સુરતથી મુંબઈના વિરાર (291 કિમી), ભરૂચથી સુરત (38 કિમી), મધ્યપ્રદેશથી ગુજરાતની સરહદ (148 કિમી), અને સવાઈ માધોપુરથી ઝાલાવાડ (159 કિમી) આ ઉપરાંત વડોદરાથી ભરૂચ (87 કિમી)નું કામ પૂર્ણ થયું છે. પરંતુ તે હજુ જાહેર જનતા માટે ખોલવાના બાકી છે. હાલમાં કાર્યરત વિભાગોમાં દિલ્હીથી દૌસા સવાઈ માધોપુર સુધીનો 293 કિમીનો વિભાગ અને 245 કિમી ઝાલાવાડ-રતલામ-મધ્યપ્રદેશ/ગુજરાત સરહદ વિભાગનો સમાવેશ થાય છે.

દિલ્હી અને જેવરને સોહનાથી જોડતો વિભાગ જૂન 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

આગળ જતાં, હરિયાણાથી મુંબઈને જોડતો અંતિમ તબક્કો આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. જો કે ડીએનડી દિલ્હી અને જેવરને સોહનાથી જોડતો વિભાગ જૂન 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેના માટે વધારાના 90 કિમી એક્સપ્રેસ વે નિર્માણની જરૂર પડશે.

 

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે હરિયાણાના સોહનાથી શરૂ થઇ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી પસાર થઇ મહારાષ્ટ્રમાં પૂર્ણ થાય છે. આનાથી ખાસ કરીને દિલ્હી, ગુડગાંવ, ફરીદાબાદ, જયપુર, અજમેર, કિશનગઢ, કોટા, ઉદયપુર, ચિત્તોડગઢ, સવાઈ માધોપુર, ભોપાલ, ઉજ્જૈન, ઈન્દોર, સુરત અને તેની આસપાસના વિસ્તારો સહિતના મોટા શહેરોના મુસાફરોને મોટો ફાયદો થશે.

આ પણ વાંચો : વીજળીના વાયરને અડી ગઈ લાકડી અને 22 સેકન્ડમાં જ યુવકનું થઈ ગયું મૃત્યુ, વીડિયો જોઈ રૂવાડા ઊભા થઈ જશે!

Back to top button