લંડન સ્થિત ભારતીય હાઈ કમિશને બ્રિટન આવતા નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી, જુઓ શું કહ્યું?
- ત્રણ બાળકોની હત્યાના વિરોધમાં ફાટી નીકળી છે હિંસા
- મોટી સંખ્યામાં દેખાવકારોની પોલીસ સાથે અથડામણ
- સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરાયેલા સ્થાનિક સમાચાર અને સલાહને અનુસરવા જણાવાયું
લંડન, 06 ઓગસ્ટ : બ્રિટનમાં પ્રવાસી નાગરિકો વિરુદ્ધ હિંસક અથડામણ થઈ રહી છે. એક કાર્યક્રમ દરમિયાન હુમલામાં ત્રણ બાળકોની હત્યાના વિરોધમાં આ હિંસા ફાટી નીકળી છે. મોટી સંખ્યામાં દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થઇ રહી છે. આ બધાની વચ્ચે લંડનમાં ભારતના હાઈ કમિશને બ્રિટનમાં પ્રવાસ કરતા ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. તેમણે ભારતથી આવતા પ્રવાસીઓને બ્રિટનની યાત્રા દરમિયાન સાવચેત રહેવા અને સાવચેતી રાખવાની સલાહ આપી છે.
આ પણ વાંચો : રાષ્ટ્રપતિ મુર્મૂ ફીજીના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘કમ્પેનીયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી’થી સન્માનિત
જાહેર કરાયેલી એડવાઈઝરીમાં શું કહ્યું ?
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટન જનારા ભારતીયોએ સાવધાન રહેવું જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ. ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડના શહેર સાઉથપોર્ટમાં ગયા અઠવાડિયે ત્રણ બાળકોને છરા માર્યા બાદ દેશભરમાં હિંસક વિરોધ થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. લંડનમાં ભારતીય હાઈ કમિશને કહ્યું, ‘ભારતીય પ્રવાસીઓ યુકેના કેટલાક ભાગોમાં તાજેતરની અશાંતિથી વાકેફ હશે. લંડનમાં ભારતીય હાઈ કમિશન સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
“વિરોધ ચાલી રહ્યો હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો”
ભારતથી આવતા પ્રવાસીઓને અહીં મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્વારા જારી કરાયેલા સ્થાનિક સમાચાર અને સલાહને અનુસરો અને જ્યાં વિરોધ ચાલી રહ્યો હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.’
આ પણ વાંચો : ICCની વધી ચિંતા! બાંગ્લાદેશની પરિસ્થિતિને કારણે આ ટૂર્નામેન્ટને શિફ્ટ કરવાનો લઈ શકે છે નિર્ણય