ભાજપનું મિશન ગુજરાત 2022: ઉમેદવારો માટે લિટમસ ટેસ્ટની શરૂઆત
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ મેળવવા માંગતા ઉમેદવારો માટે લિટમસ ટેસ્ટની શરૂઆત થઈ ચૂકી છે. આજે અમદાવાદ શહેરની 8 બેઠક માટે 2 અલગ- અલગ જગ્યાએ ભાજપના ઉમેદવારોની સેન્સ લેવાશે. હર્ષ સંઘવી અને ગણપત વસાવાને અમદાવાદ બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદ શહેરની વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરા સહિત અસારવા, નરોડા, દરિયાપુર અને દાણીલીમડા બેઠકની સેન્સ લેવાશે. બીજી તરફ અન્ય બેઠકો પર ભાજપે ઉમેદવારોની સેન્સ લેવા માટે નિરીક્ષકોના નામની યાદી જાહેર કરી છે. જિલ્લા પ્રમાણે 3-3 નિરીક્ષકોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સુરત અને અમદાવાદ શહેર માટે 6-6 નિરીક્ષકો રાખવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલને સુરત, જીતુ વાઘાણીને દાહોદ, શંકર ચૌધરીને વડોદરા અને પૂર્ણેશ મોદીને પંચમહાલની જવાબદારી સોંપવામાં આવી છે.
નિરીક્ષકોની યાદી જાહેર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અનુલક્ષી ભાજપે નિરક્ષકોના નામ જાહેર કર્યા છે. જેમાં ગોરધન ઝડફિયાને પાટણની જવાબદારી સોંપાઇ છે તો શંકર ચોધરીને વડોદરા અને પુર્ણેશ મોદીને પંચમહલની જવાબદારી સોંપાઈ છે. હર્ષ સંધવી અને ગણપત વસાવાને અમદાવાદની જવાબદારી સોંપાઇ છે. રૂષિકેષ પટેલ અને જીતુ વાઘાણીને દાહોદની જવાબદારી સોંપી છે તેમજ આર સી ફળદુ અને ઉદય કાનગઢને ગાંધીનગરની જવાબદારી માટે યોગ્ય સમજ્યા છે ત્યારે ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને નિમિષા સુથારને ભરૂચની જવાબદારી સોંપાઈ છે. રાજેન્દ્ર ત્રિવેદીને વલસાડની જવાબદારી સોંપાઈ છે અને નરહરી અમિનને નર્મદા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. પુનમ માડમ અને આઈ કે જાડેજાને ભાવનગરની જવાબદારી સોંપી છે.
રાજકોટના 4 ધારાસભ્યોની ટિકિટ લગભગ પાક્કી
રાજકોટ વિધાનસભા-68 બેઠકમાં હાલમાં મંત્રી અરવિંદ રૈયાણી ધારાસભ્ય છે, તેમની સામે જ પાર્ટીના નેતાઓ મેદાને પડ્યા છે અને ટિકિટ મેળવવા માટેના તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, તો મંત્રી રૈયાણી પણ પ્રથમ વખત જ ધારાસભ્ય બનીને મંત્રીપદ સુધી પહોંચી ગયા હોવાથી તેઓ પોતાની બેઠક જાળવી રાખવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. વિધાનસભા-69માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે, રૂપાણીને પાર્ટી ચૂંટણી નહીં લડાવે તેવા સંકેતો મળતાં ગઢસમાન આ બેઠક પર રાજયોગ મેળવવા શહેર ભાજપના મોટામાથા મેદાને ઉતર્યા છે, આ બેઠકની સીટ ફાળવણીમાં રૂપાણી જેને આશીર્વાદ આપશે તેનું ભાગ્ય ચમકશે કે રૂપાણી જૂથનો સફાયો કરવા અન્ય કોઇને જ ટિકિટ અપાશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે.
ટિકિટ આપવાની નીતિ
વિધાનસભા-70માં ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય છે, સિનિયર નેતા ગોવિંદ પટેલે ફરીથી ચૂંટણી લડવાની તૈયારી કરી છે, પાર્ટીએ પણ વર્તમાન સ્થિતિને જોઇને વયમર્યાદાનો અને ત્રણ ટર્મવાળાને રિપીટ નહીં કરવાની પોલિસીને બદલે જીતે તેને ટિકિટ આપવાની નીતિ અમલી બનાવવાની વિચારણા કરતાં ગોવિંદ પટેલને હાશકારો થયો છે. જોકે આ બેઠક માટે ભરત બોઘરા, ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા, નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓ ટિકિટ મેળવવા પ્રયાસો કરી રહ્યાં છે, તો વિધાનસભા-71માં આ વખતે ચૂંટણી રસાકસીવાળી બનવાના સંકેતો સાંપડી રહ્યાં છે, વર્તમાન ધારાસભ્ય લાખા સાગઠિયાને રિપીટ કરાશે કે તેની જગ્યાએ કોઇ મહિલા કે નવા ચહેરાને ચાન્સ અપાશે તેના પર સહુની નજર મંડાઇ છે.