ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉત્તરાકાશી ટનલ દુર્ઘટના: કોઈપણ સમયે સારા સમાચાર મળવાની આશા

ઉત્તરકાશી, 22 નવેમ્બર: ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 41 મજૂરોના જલદી બહાર આવવાની આશા છે. અમેરિકન ઓગર મશીને ટનલના પ્રવેશ બિંદુથી લગભગ 40 મીટર સુધી ડ્રિલ કર્યું છે. હવે લગભગ 25-30 મીટર ડ્રિલિંગ બાકી છે. જે આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે પૂર્ણ થઈ શકે છે. બચાવ કામગીરીએ વેગ પકડ્યા બાદ સિલ્ક્યારામાં 40 એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી છે. તેમાં વધારાના ઓક્સિજન સિલિન્ડર રાખવામાં આવશે. જનરલ ફિઝિશિયન, ફાર્માસિસ્ટ, મનોચિકિત્સક પણ સ્થળ પર હાજર છે.

બીજી તરફ, ટનલમાં ફસાયેલા કામદારોને દરરોજ પાઇપ દ્વારા લંચ પહોંચાડવામાં આવ્યું છે. મજૂરોને ખોરાક અને પાણીની પણ સતત સપ્લાય કરવામાં આવી રહી છે. કામદારોને ખોરાક પહોંચાડવા માટે, છ ઇંચની પાઇપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે બંધ ટનલમાં ડ્રિલિંગ દ્વારા ફીટ કરાઈ છે.

6 ઇંચની પાઈપ દ્વારા ખોરાક મોકલાયો

બચાવ કામગીરી દરમિયાન પ્રથમ ચાર ઇંચની પાઇપ ફીટ કરવામાં આવી હતી. જો કે હવે છ ઇંચની પાઇપનો ઉપયોગ થઇ રહ્યો છે. ટનલની અંદર ફસાયેલા કામદારોને સ્વસ્થ રાખવા માટે ખોરાક અને પાણીની સતત સપ્લાય કરાઈ રહી છે. મંગળવારે રાત્રે વેજ પુલાવ, વટાણા, રોટલી, ચીઝ અને બટર કામદારોને પાઈપ દ્વારા ખોરાક માટે મોકલવામાં આવ્યા હતા. નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (NHIDCL) ના ડિરેક્ટર અંશુ મનીષ ખુલકોએ આ માહિતી આપી છે.

અત્યાર સુધી કામદારોને શું ખાવાનું આપવામાં આવ્યું?

ડૉકટરોએ સુરંગની અંદર ફસાયેલા મજૂરો માટે ખીચડી અને દાળનું સૂચન કર્યું છે. પરંતુ છ ઇંચની પાઇપ બ્લોકેજના કારણે રવિવારે તેની ડિલિવરી થઇ શકી ન હતી. જોકે, અવરોધ ખતમ થયા બાદ સોમવારે રાત્રે કામદારો માટે ગરમ ખીચડી અને દાળ મોકલવામાં આવી હતા. આ પાઈપલાઈન દ્વારા ભોજન સિવાય કાપેલા સફરજન અને કેળા મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અગાઉ વીડિયો દ્વારા કરાયો હતો સંપર્ક

અગાઉ, ટનલમાં ફસાયેલા કામદારોની સ્થિતિ જાણવા માટે છ ઇંચની પાઇપલાઇન દ્વારા એન્ડોસ્કોપિક ફ્લેક્સી કેમેરા મોકલવામાં આવતા હતા. આ કેમેરાની મદદથી કામદારોની સ્થિતિ વિશે માહિતી મેળવવામાં આવી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તમામ કામદારો સુરક્ષિત દેખાઈ રહ્યા છે. વીડિયોમાં કામદારો એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 12 નવેમ્બરે નિર્માણાધીન 4 કિલોમીટર લાંબી સિલ્ક્યારા ટનલનો એક ભાગ તૂટી પડ્યો, જેના કાટમાળમાં 41 જેટલા કામદારો ફસાઈ જવા પામ્યા હતા.

આ પણ વાંચો: ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાનો બોધપાઠઃ શિયાળામાં ભારે હિમવર્ષાના સંજોગો માટે તંત્રે શું તૈયારી કરી?

Back to top button