

પાલનપુર: પાલનપુર કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નીલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યો દ્વારા પુછાયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, અને તેમને પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યાં હતાં.
પીવાના પાણીની તકલીફ ના પડે તે જોવા અધિકારીઓને સૂચના અપાઇ
આ બેઠકમાં પાલનપુર શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા સફાઇ પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિયોદર બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા, રસ્તા અને ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા, પીવાના પાણીના પ્રશ્નો સહિત નેશનલ હાઇવે ઓથોરીટીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. હાલની સીઝનમાં લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પુરતી તકેદારી રાખવા તથા જરૂર જણાય ત્યાં ટેન્કર દ્વારા પાણી આપીને પાણીની વ્યવસ્થા સારી રીતે જાળવવા જણાવાયું હતુ. આગામી તા. ૨૨, ૨૩ અને ૨૪ જૂન-૨૦૨૨ના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ દરમ્યાન એક પણ બાળક શાળામાં પ્રવેશથી વંચિત ન રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતુ.
આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વારકીબેન પારઘી, ધારાસભ્યો સર્વશ્રી શશીકાંતભાઇ પંડ્યા, નથાભાઇ પટેલ, શિવાભાઇ ભૂરીયા, મહેશભાઇ પટેલ, નિવાસી અધિક કલેકટર એ. ટી. પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.