દેશભરમાં ફરી એકવાર ગુજરાતી વ્યક્તિના કારણે ચર્ચા થઈ રહી છે તે છે કિરણ પટેલ. આ મુદ્દા પર એક દિવસ અગાઉ સંસદમાં પણ સવાલો થવા લાગ્યા છે ત્યારે કિરણ પટેલના નવા નવા રહસ્યો પરથી પડદો ઉઠી રહ્યો છે. જેને જોતાં હવે આ મામલે રાજ્ય સરકારથી લઈ કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સી પર પણ વિપક્ષ દ્વારા આંગળી ચિંઢવામાં આવી રહી છે.
આ મામલે હવે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે મહાઠગનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્ય સરકાર પર આક્રમક પ્રહાર કરતાં શૈલેષ પરમારે કહ્યું કે મહાઠગ PMOના નામે ફરે છે. આઇબીએ કંઇ ના કર્યું, IPS અધિકારીઓની જાસુસી થાય છે. જેના પર સરકારે શું પગલા ભર્યા છે ?
આ પણ વાંચો : નકલી PMO અધિકારી કિરણ પટેલનો મુદ્દો સંસદમાં ગુંજ્યો, શક્તિસિંહ ગોહિલે ચર્ચાની માંગ કરી !
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં સ્થાયી થયેલા કિરણ પટેલ કથિત રીતે ભાજપના નેતાઓ સાથે ઘરોબો હોવાનો દાવો કરતો હતો. કાશ્મીર પોલીસના એડીજીપી વિજય કુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસને મળેલી માહિતીના આધારે બીજી માર્ચે હોટલમાં દરોડો પાડ્યો હતો અને પટેલની ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન કિરણ પટેલ પાસેથી 10 નકલી વિઝિટિંગ કાર્ડ અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. કિરણ પટેલ સામે જમ્મુ કાશ્મીરમાં નિશાન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 419, 420, 467 અને 471નો ગુનો નોંધાયો હતો.
જોકે, માત્ર કાશ્મીરમાં જ નહીં, ગુજરાતમાં પણ કિરણ પટેલ વિરુદ્ધ ગુના નોંધાયા છે અને લોકો એની છેતરપિંડીનો ભોગ પણ બન્યા છે. આ મામલે એવું પણ સામે આવ્યું છે કે, નકલી PMO ઓફિસર બનીને કાશ્મીરમાં Z પ્લસ સિક્યોરિટી મેળવનાર કિરણ પટેલના કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. કિરણ પટેલે J&K પ્રશાસનને છેતરવા માટે માત્ર 100 રૂપિયા ખર્ચ્યા હતા. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા કિરણ પટેલને મણિનગરમાંથી રૂ.100માં છપાયેલા માત્ર 10 વિઝિટિંગ કાર્ડ લઈને ફરતો હતો. આ વિઝિટિંગ કાર્ડ્સના આધારે તેણે સમગ્ર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે છેતરપિંડી કરી અને પછી ધમકાવ્યા પણ હતા.
આ પણ વાંચો : કાશ્મીરી જેલમાં હવા ખાઈ રહેલો કિરણ પટેલ કોણ છે, શું છે હકીકત, જાણો સમગ્ર મામલો