ગુજરાત વિધાનસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ગાજ્યો, કોંગ્રેસના ધારાસભ્યોનો ડોક્ટર-દર્દી બની નાટ્યાત્મક વિરોધ


- PMJY યોજનાના કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ
- કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા
- ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ
ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના પ્રથમ દિવસે જ ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. ધારાસભ્યોએ હથકડી અને સાંકળ લગાવીને અમેરિકાથી ગેરકાયદે ભારતીય અપ્રવાસીઓને પરત મોકલવાની પ્રક્રિયા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ હવે સરકારને ઘેરવા માટે આજે ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં થયેલા PMJY યોજનાના કાંડ મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો હતો.
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા
ગાંધીનગર વિધાનસભાના પગથિયા પર જ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા ‘નાટક’ રજૂ કરી ખ્યાતિ કાંડને રજૂ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી , ઇમરાન ખેડાવાલા, ડો. તુષાર ચૌધરી ડોક્ટર બન્યા હતા. જ્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા.
ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે. કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવે , તેમને 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઈએ અને તેની CBI તપાસ પણ થવી જોઈએ.
આ પણ વાંચો: ભારતમાં એર ટેક્સી ઉડાડવા માટે ગુજરાતમાંથી પ્રથમ પ્રયોગ હાથ ધરાશે