ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર: ડીસા પાલિકામાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સની બેઠકમાં આકારણીનો મુદ્દો ચર્ચાયો

પાલનપુર: ડીસા નગરપાલિકામાં શુક્રવારે સવારે શહેરના બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયર્સની એક બેઠક ચીફ ઓફિસર સાથે યોજાઇ હતી. જેમાં મકાનના નકશા, આકારણી અને ઇમ્પેકટ ફી ના મુદ્દાઓને લઈને વિસદ ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. જોકે કેટલાક નિયમનો વાસ્તવિક રીતે અમલ કરવા જતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની સભામાં ઉપસ્થિત રહેલા લોકોમાં લાગણી વ્યક્ત થઇ હતી. જે અંગે પણ યોગ્ય નિકાલ લાવવા માટે ચીફ ઓફિસરને ધ્યાને મૂકવામાં આવ્યું હતું.

ડીસા નગરપાલિકાના સભાખંડમાં બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને પાલિકામાં રજીસ્ટર થયેલા એન્જિનિયર્સની એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાલિકાના ચીફ ઓફિસર પંચાભાઈ માળીએ જણાવ્યું હતું કે, 30 સપ્ટેમ્બર’૨૨ અગાઉ થયેલા બાંધકામને ઇમ્પેક્ટ ફીનો લાભ મળવાનો છે. જેથી સમયસર આ અંગે અરજી કરી નાખવી જોઈએ તેવું સૂચન કર્યું હતું. જ્યારે તેમણે એવું પણ જણાવ્યું હતું કે કોમર્શિયલ બાંધકામમાં ઈરાદાપૂર્વક થતી ભૂલો ટાળવી જોઈએ. જ્યારે ગુજરાતમાં 2017 થી CGDCR અમલમાં આવ્યો છે તેનું ઉલંઘન ના થાય તે જોવાની જવાબદારી એન્જિનિયરની છે. અને નકશા પ્રમાણે બાંધકામ થાય તે જરૂરી છે. ઇમ્પેકટ ફી ના કાયદાનો લાભ 16 ફેબ્રુઆરી’23 સુધી લઈ શકાશે. તે પહેલા આવા કેસ હોય તેઓએ ઓનલાઇન સમયસર અરજી કરવી જોઈએ તેમ જણાવ્યું હતું.

જ્યારે એસોસિએશનના પ્રમુખ કલ્યાણભાઈ રબારીએ આકારણીના પ્રશ્નને લઈને અત્યારે ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી છે અને ઘણા કેસ પેન્ડિંગ છે. તેમ જણાવતા આકારણીના પ્રશ્નનું હવે નિરાકરણ આવી જશે તેમ તેવી ચીફ ઓફિસર હૈયાધારણા આપી હતી. જ્યારે જુના એન.એ. થયેલા મોટા પ્લોટમાં મંજૂરીના પ્રશ્નો અંગે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત હાથીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, નકશો મંજૂર થાય એટલે એક વર્ષના બદલે ત્રણ વર્ષનો વેરો વસૂલવામાં આવે છે જે યોગ્ય નથી. આ સિવાય કોમન પ્લોટમાં થતા બાંધકામ અંગે પણ ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. જ્યારે નવા કાયદા મુજબ બાંધકામ માટે માર્જિનની જગ્યા જે છોડવાની થાય છે, તેમાં તેના કારણે બજારમાં મકાનની કિંમત ઊંચી જાય છે. પરિણામે પ્લોટ સાથે મકાનનું બાંધકામ ઘણું જ મોંઘુ પડતું હોય છે. જેને લઈને ગ્રાહકના બજેટ બહાર જતા આવા બાંધકામના કોઈ ખરીદદાર મળી શકે નહીં. તેવી ઉપસ્થિત બિલ્ડર્સ, કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયરો એ દહેશત વ્યક્ત કરી હતી. જ્યારે આ અંગે પણ યોગ્ય રજૂઆત સરકારને કરવામાં આવે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:બિહારના છપરા બાદ હવે આ ગામમાં ઝેરી દારુ પિવાથી થયા 5 લોકોના મોત

Back to top button