ભારતીય જુનિયર મહિલા હોકી ટીમે બે ગોલની હારમાંથી શાનદાર પુનરાગમન કરીને નેધરલેન્ડને પાંચ દેશોની અંડર-23 ટુર્નામેન્ટમાં 2-2થી ડ્રો પર રોકી હતી. સોમવારે રાત્રે રમાયેલી આ મેચમાં ભારત તરફથી અન્નુ (19મી મિનિટે) અને બ્યુટી ડુંગડુંગ (37મી)એ ગોલ કર્યા હતા. જ્યારે નેધરલેન્ડ્સ તરફથી બ્રાઉવર એમ્બર (13મી મિનિટે) અને વાન ડેર બ્રોક બેલેન (17મી)એ એક-એક ગોલ કર્યો હતો.
ભારતીય ટીમ શરૂઆતથી જ ભારે દબાણમાં હતી કારણ કે શરૂઆતની પાંચ મિનિટમાં નેધરલેન્ડને સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા હતા. ભારતે તેમને ગોલ કરવા દીધો ન હતો. પરંતુ એમ્બરે 13મી મિનિટે ગોલ કરીને નેધરલેન્ડને લીડ અપાવી હતી. જેને 17મી મિનિટે વેન ડેર બ્રોક બેલેને બમણી કરી હતી. ભારતે વળતો હુમલો કર્યો અને પેનલ્ટી કોર્નર મેળવ્યો જેને અન્નુએ 19મી મિનિટે કન્વર્ટ કરી દીધો.
એક ગોલથી પાછળ હોવા છતાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી
એક ગોલથી પાછળ હોવા છતાં ભારતીય ટીમે ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર રમત બતાવી હતી. વાઇસ-કેપ્ટન બ્યુટી ડુંગડુંગે 37મી મિનિટે ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કરી દીધો હતો. આ પછી બંને ટીમોને તકો મળી પરંતુ કોઈ તેનો ફાયદો ઉઠાવી શક્યું નહીં. ભારતીય મહિલા ટીમ બુધવારે ટૂર્નામેન્ટની તેની ત્રીજી મેચમાં યુક્રેન સામે ટકરાશે.