કેનેડાએ જે ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા તે કોણ છે?
ખાલિસ્તાનવાદીઓની તરફેણ કરીને કેનેડાએ જે ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા છે તે વાસ્તવમાં પંજાબ કૅડરના અધિકારી છે અને થોડાં વર્ષ પહેલાં પંજાબમાં નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તે સૌથી અગ્રણી હતા.
1997ની પંજાબ કૅડરના આઈપીએસ અધિકારી પવનકુમાર રાયને 2010માં રૉમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું હતું. વર્તમાનમાં તેઓ કેનેડામાં રૉના સ્ટેશન ચીફ હતા. કેનેડા દ્વારા ભારતીય રાજદ્વારી રાયની હકાલપટ્ટીની સામે ભારત સરકારે ભારતમાં કાર્યરત કેનેડિયન રાજદ્વારી ઓલિવર સિલ્વેસ્ટરને પાંચ દિવસમાં દેશ છોડી દેવા જણાવ્યું છે.
કેનેડામાં જસ્ટિન ટ્રુડો 2015માં વડાપ્રધાન બન્યા ત્યારથી કેનેડાસ્થિત ખાલિસ્તાનવાદીઓ પ્રત્યે કૂણું વલણ ધરાવે છે. તેમના શાસન હેઠળ ખાલિસ્તાનીઓને પૂરી છૂટ હોવાથી ખાલિસ્તાનીઓ વારંવાર ભારત વિરોધી કાર્યક્રમો આયોજિત કરીને પંજાબને ભારતથી અલગ કરીને તેને ખાલિસ્તાન દેશ બનાવવાની માગણી કરતા રહ્યા છે.
કેનેડાસ્થિત ખાલિસ્તાનીઓ એથી પણ આગળ વધીને ઓછામાં ઓછા બેથી ત્રણ વખત રેફરેન્ડમ પણ યોજી ચૂક્યા છે, જેમાં કેનેડમાં વસતા કુલ પંજાબીઓ પૈકી મુઠ્ઠીભર પંજાબીઓ અલગ ખાલિસ્તાન દેશની માગણીને સમર્થન આપતા રહ્યા છે.
થોડા મહિના પહેલાં આ જ ખાલિસ્તાનવાદીઓએ કેનેડામાં તેમના એક જાહેર કાર્યક્રમમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના સિખ અંગરક્ષકો દ્વારા કરવામાં આવેલી હત્યાને વાજબી ઠેરવતો એક ટેબ્લો પ્રદર્શિત કર્યો હતો. એ ઉપરાંત ખાલિસ્તાનવાદીઓએ કેનેડામાં ભારતીય દૂતાવાસ ઉપર પણ હુમલો કર્યો હતો. કેનેડામાં અનેક શહેરમાં હિન્દુ મંદિરો ઉપર પણ ખાલિસ્તાની હુમલા કરતા રહે છે.
આ પણ વાંચોઃ ભારત-કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધ વણસ્યા
આવી તમામ ઘટના સામે પણ ભારતે વાંધો નોંધાવ્યો હતો છતાં જસ્ટિન ટ્રુડોની સરકારે ખાલિસ્તાનીઓના એ કૃત્યને અભિવ્યક્તિની આઝાદી કહીને કોઈ પગલાં લેવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચોઃ ખાલિસ્તાન વિવાદઃ કોંગ્રેસે કેનેડાની ટ્રુડો સરકારને રોકડું પરખાવ્યું