અમદાવાદમાં રાજયનું સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી, જાણો વરસાદની શું છે આગાહી


- રાજયના 6 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું
- આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી
- ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જશે: અંબાલાલ પટેલ
અમદાવાદમાં રાજયનું સૌથી વધુ તાપમાન 42.4 ડિગ્રી રહ્યું છે. જેમાં રાજયના 6 શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. જેમાં આવતીકાલ સુધી ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડી શકે છે.
આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી
સમગ્ર ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ હવામાન વિભાગ દ્વારા 16 મે એટલે કે, આવતીકાલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ગરમીની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ ગરમીનું તાપમાન નોંધાયુ છે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 42.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 41.8 ડિગ્રી, બનાસકાંઠામાં 42.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી, વડોદરામાં 40.6 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અન્ય જિલ્લાઓમાં પણ 40 ડિગ્રીની આસપાસ ગરમીનું તાપમાન નોંધાયું છે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની અંબાલાલ પટેલની આગાહી
20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમાં પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે.