મહિલા સશક્તિકરણનું સર્વોચ્ચ સ્તર એટલે “સશસ્ત્ર-પથ”: તુ ન થકેગી – ન ઝૂકેગી
અમદાવાદ, 8 માર્ચ, 2024: મહિલા દિવસની શુભેચ્છા. મહિલા સશક્તિકરણની વાત હોય કે પછી સમાનતાની વાત હોય, સશસ્ત્ર દળોમાં મહિલાઓની સંખ્યા અને જવાબદારીની વહેંચણી પોતે જ એ વાતનો પુરાવો છે કે આ દેશે સ્ત્રીઓને સન્માન આપવાની તેની પ્રાચીન પરંપરા હજુ પણ જાળવી છે.
મહિલા વડાપ્રધાન, મહિલા રાજ્યપાલો તેમજ મહિલા મુખ્યપ્રધાનો આપનાર આ દેશમાં હવે તો અવકાશ સંશોધન અને સશસ્ત્ર દળોથી માંડીને લગભગ કોઈ ક્ષેત્ર બાકી નથી જ્યાં સ્ત્રી-શક્તિનું પ્રતિનિધિત્વ ન હોય. પણ આજે આપણે ખાસ સશસ્ત્ર દળોની વાત કરીએ.
જે દેશમાં રાણી લક્ષ્મીબાઈ, ઝલકારી બાઈ, મહારાણી ચેનમ્મા, કેપ્ટન લક્ષ્મી સહગલ જેવાં ઝળહળતાં ઉદાહરણો હતાં એ દેશમાં સ્વતંત્રતા પછી ઘણા દાયકા સુધી તત્કાલીન સરકારો દ્વારા મહિલાઓને અગ્રીમ યુદ્ધ મોરચે એવી દલીલ કરીને સામેલ કરવામાં નહોતી આવતી કે, યુદ્ધ મોરચે જે શારીરિક ક્ષમતા જોઇએ તેમાં મહિલાઓ નબળી પડશે!
ખેર, હવે સ્થિતિ બદલાઈ છે અને આજે ભારતીય સૈન્યની ત્રણે પાંખમાં 11,400 કરતાં વધારે મહિલાઓ સશસ્ત્ર સેવામાં ફરજ બજાવી રહી છે. તે પૈકી સૌથી વધુ 7,100 મહિલાઓ સૈન્યમાં, હવાઈદળમાં લગભગ 1700, તેમજ નૌકાદળમાં 750 મહિલાઓ દેશની સુરક્ષામાં મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. આ ઉપરાંત ઓછામાં ઓછી 5,000 મહિલાઓ ત્રણે સૈન્ય દળમાં તબીબી, નર્સિંગ જેવી વિવિધ કામગીરીમાં ફરજ બજાવે છે. છેલ્લી માહિતી અનુસાર નૌકાદળમાં 1000 કરતાં વધુ મહિલા અગ્નિવીરની પસંદગી પણ કરવામાં આવી છે.
સશસ્ત્ર દળોમાં વધુને વધુ હિંમતવાન મહિલાઓ ભરતી થાય એ માટે પ્રોત્સાહિત કરવા તથા હયાત મહિલા સૈન્ય અધિકારીઓ તથા મહિલા જવાનોને પ્રેરકબળ મળી રહે તે હેતુથી તેમના માટેની વિવિધ છૂટછાટની દરખાસ્તને સંરક્ષણ મંત્રી દ્વારા બહાલી પણ આપવામાં આવી છે. જેમ કે, પ્રસૂતિની રજા, બાળ ઉછેરનો સમયગાળો, બાળકને દત્તક લેધું હોય તો તેના ઉછેર માટેની રજા વગેરેમાં મહિલાઓને નોંધપાત્ર રાહત આપવામાં આવી છે.
માત્ર આપણા દેશમાં નહીં, પરંતુ દુનિયાના ઘણા દેશોમાં હજુ પણ એક વર્ગ એવો છે જે મહિલાઓની ક્ષમતા બાબતે શંકાશીલ હોય છે એટલું જ નહીં પરંતુ તેમની કામગીરી અને તેમને મળતી સુવિધાઓ બાબતે પણ ઈર્ષા કરતા હોય છે. આ સંદર્ભમાં થોડા સમય પહેલાં સંરક્ષણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અજય ભટ્ટે જણાવ્યું હતું કે, ભારતીય સશસ્ત્ર દળોમાં જે કામગીરી છે તેમાં સ્ત્રી-પુરુષ ભેદભાવ હોતા નથી. નિયુક્તિ અને કામગીરીમાં પુરુષ અને મહિલા સૈન્ય અધિકારીઓ કે પછી સૈન્ય જવાનો વચ્ચે કોઈ તફાવત રાખવામાં આવતો નથી. આ બાબતે તેમણે વધારે સ્પષ્ટતા કરી હતી કે, નિમણૂક અને પોસ્ટિંગ લાયકાત તેમજ સેવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ થતી હોય છે.
આજે મહિલા દિવસ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓની ભૂમિકા તથા તેમની સંખ્યા વિશે અહીં વાત કરવાનાં બે વિશેષ કારણ છેઃ એક તો, કિશોરીઓને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવી તથા બીજું, મહિલાઓની ક્ષમતા વિશે શંકાશીલ રહેતા લોકો પણ સાચી વિગતોથી વાકેફ થાય. તો ફરી એક વાર… હેપી વુમન્સ ડે.