અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

રખડતાં ઢોર-બિસ્માર રસ્તા મુદ્દે ગુજરાત સરકાર સામે હાઇકોર્ટની લાલ આંખ

  • રખડતાં ઢોર, બિસ્માર રસ્તા મુદ્દે હાઈકોર્ટમાં થઈ સુનાવણી
  • હાઇકોર્ટે ગુજરાત સરકાર વિરુધ્ધ નારાજગી કરી વ્યક્ત
  • નીતિઓ અને પાયાની હકીકતમાં ઘણો તફાવત : હાઈકોર્ટે

અમદાવાદ : રાજ્યમાં રખડતાં ઢોરથી લોકો હેરાન પરેશાન થઈ ગયાં છે. રસ્તામાં વાહનચાલકો અને રાહદારીઓને રખડતાં ઢોરની અડફેટે આવતાં ઈજાગ્રસ્ત થવું પડે છે અથવા તો મોતની ઘટના સામે આવે છે તેમજ ખરાબ રસ્તાઓને કારણે પણ અકસ્માતો સર્જાય છે. ત્યારે રખડતાં ઢોર અને બિસ્માર રસ્તાને લઇ મંગળવારે(26 સપ્ટેમ્બરે) હાઈકોર્ટમાં કંટેમ્પ્ટ અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારની આ મામલે ઝાટકણી કાઢવામાં આવી હતી. હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સરકારની નીતિઓ અને જમીની હકીકતમાં ઘણો તફાવત રહેલો છે. 4 વર્ષ બાદ પણ જમીની હકીકત બદલાઈ નથી.

ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં તેની તે જ છે : હાઈકોર્ટ

અરજદારની અરજી પર મંગળવારે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે તંત્રની કેટલીક કામગીરી પર સંતોષ વ્યક્ત કર્યો હતો. કેટલીક બાબતને લઈને કોર્ટે કહ્યું હતું કે, ખરાબ રસ્તા અને રખડતાં ઢોરને લઈને કેટલીક બાબતો હજી સુધી અમલી બની નથી જેનો અમલ થવો જોઈએ. રાજ્ય સરકારે નવી કેટલ પોલિસી અંગે વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. જેના પર હાઈકોર્ટે કહ્યું હતું કે, પોલિસી અને ગ્રાઉન્ડ પર રિયાલિટીમાં તફાવત છે. તંત્રએ કાગળ પર કાર્યવાહી કરી છે પરંતુ વાસ્તવિકતા હકીકત કરતાં જુદી જ છે. ચાર વર્ષ બાદ પણ વાસ્તવિકતામાં કોઈ ફેર પડ્યો નથી.

માત્ર અને માત્ર કાગળ પર જ કામ, હકીકત કંઈક અલગ જ : HC

અરજદાર દ્વારા કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં કહેવાયું હતું કે, ખરાબ રસ્તા અને રખડતાં ઢોરના મુદ્દે કોર્ટે અનેકવાર રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નિર્દેશ કર્યાં છે, પરંતુ આ મામલે હજી પણ માત્ર અને માત્ર કાગળ પર જ કામ થઈ રહ્યું છે. જ્યારે ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ પ્રકારનું એક્શન જોવા મળ્યું નથી. જે બાદ હાઈકોર્ટે કહ્યું કે, તંત્રને ખખડાવામાં રસ નથી પણ જાહેર હિતમાં રસ છે. અમદાવાદ શહેરના મણિનગર, નેહરુનગર, ઈસનપુરમાં રખડતા ઢોરની સ્થિતિ નિયંત્રણ બહાર છે. નવસારી રેલવે સ્ટેશનની સ્થિતિ પણ જુઓ. સુનાવણી દરમિયાન નડિયાદ નગરપાલિકાની હદમાં પણ રખડતાં ઢોરનો મુદ્દો ચર્ચાયો હતો. જેના પર સરકાર તરફથી કહેવાયું હતું કે અરજદાર સંતુષ્ટ ન હોય તો સૂચનો આપી શકે છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, અરજદાર પાસે સૂચનો હોય તો આપે નહીંતર અમે અમારી રીતે ઓર્ડર પાસ કરીશું. રાજ્યના ચીફ સેક્રેટરીએ આ સંદર્ભમાં એફિડેવિટ ફાઈલ કરી નથી. અંડર સેક્રેટરી અને ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ ફાઈલ કરી છે. જો રાજ્યના ચીફ સેક્રટરી અને AMC કમિશનર એફિડેવિટ ફાઈલ કરે તો નીચલા અધિકારીઓની હિંમત નથી કે તેમના ઓર્ડરનું પાલન ન થાય. સરકાર અને AMCની પોલિસીની અમલવારીમાં સમસ્યા છે.

આ પણ વાંચો: ભારે વરસાદના પગલે ગુજરાતના અસરગ્રસ્ત નાના વેપારીઓને સરકાર આપશે સહાય: ઋષિકેશ પટેલ

Back to top button