ટ્રેન્ડિંગનેશનલ

મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની ધરપકડને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી

Text To Speech
  • હાઈકોર્ટે હેમંત સોરેનની કાકાના શ્રાદ્ધમાં હાજરી આપવા માટે જામીન અરજી પણ ફગાવી દીધી 

રાંચી, 3 મે: ઝારખંડ હાઈકોર્ટે આજે શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ED દ્વારા પોતાની ધરપકડને પડકારતી પિટિશન અને કાકાના શ્રાદ્ધમાં હાજરી આપવા માટેની જામીન અરજી ફગાવી દીધી છે. હેમંત સોરેને તેના કાકાના શ્રાદ્ધમાં હાજરી આપવા માટે જામીનની માંગણી કરી હતી. જો કે, કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં તેના કાકાના શ્રાદ્ધમાં હાજરી આપવાની મંજૂરી આપી છે.  હાઇકોર્ટે કહ્યું કે, “મની લોન્ડરિંગ કેસમાં હેમંત સોરેનની ધરપકડ કાયદાકીય રીતે યોગ્ય છે તેમજ હેમંત સોરેન પોલીસ કસ્ટડીમાં પોતાના કાકાના શ્રાદ્ધમાં હાજરી આપી શકે છે.”

ઉલ્લેખનીય છે કે, ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેને પોતાના મોટા કાકા રાજારામ સોરેનના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ તે સમયે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. તે દરમિયાન PMLA કોર્ટે તેમની વચગાળાની જામીન માટેની અરજી ફગાવી દીધી હતી. સોરેને કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, તેના કાકા રાજારામ સોરેનનું 27 એપ્રિલે અવસાન થયું હતું. તેને તેના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધમાં ભાગ લેવાની છૂટ આપવી જોઈએ. આ માટે તેમણે 13 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

હેમંત સોરેને EDની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી

હેમંત સોરેને તેમની ધરપકડને ગેરકાયદે ગણાવીને ઝારખંડ હાઈકોર્ટમાં અરજી કરી હતી. અગાઉ આ મામલામાં સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે 28 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને આ વખતે પિટિશન ફગાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મામલામાં હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને હાઈકોર્ટ તરફથી નિર્ણય ન લેવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ પણ જુઓ: 7મીએ ગુજરાત સહિત 12 રાજ્યોની 94 લોકસભા બેઠકો પર યોજાશે મતદાન, જાણો વિગતે

Back to top button