ગુજરાતટોપ ન્યૂઝ

PSIની ભરતી પ્રક્રિયા પર રોક, જાણો શું છે સમગ્ર મામલો

Text To Speech

PSIની ભરતી પ્રક્રિયા પર હાઈકોર્ટે છ સપ્તાહનો મનાઈ હુકમ ફરમાવ્યો છે. જેમાં 21 ઉમેદવારોની મુખ્ય પરીક્ષા લેવાના સિંગલ જજના હુકમ સામે અપીલ કરવામાં આવી છે. તેમજ છ સપ્તાહમાં સિંગલ જજ સામે પડતર કેસનો નિકાલ લાવવા આદેશ આપવામાં આવ્યો છે. તેની સામે રાજ્ય સરકારે હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ અરજી કરેલી છે.

આ પણ વાંચો: હવે ગુજરાતમાં MBBSનું ભણતર ગુજરાતીમાં ભણાવાશે, જાણો શું કરી સરકારે જાહેરાત

અરજદાર ઉમેદવારોની અરજીનો નિકાલ કરવામાં આવે

પીએસઆઈની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે હાઈકોર્ટના સિંગલ જજે પોલીસ ખાતાના મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના 21 કોન્સ્ટેબલ્સને ( ડ્રાઈવર) મંજૂરી આપતા, તેની સામે રાજ્ય સરકારે હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ અરજી કરેલી. સુનાવણી બાદ, હાઈકોર્ટની ખંડપીઠે છ સપ્તાહ સુધી 1200 પીએસઆઈની ભરતી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. ખંડપીઠે આદેશ કર્યો છે કે છ સપ્તાહના આ સમયગાળામાં સિંગલ જજ સમક્ષ પડતર મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના અરજદાર ઉમેદવારોની અરજીનો નિકાલ કરવામાં આવે. સુનાવણી સમયે, રાજ્ય સરકારની રજૂઆત હતી કે જો આ 21 ઉમેદવારોની પરીક્ષા લઈશુ તો તેમના માટે સમગ્ર પ્રક્રિયા ફરીથી કરવી પડશે અને સમગ્ર વિન્ડોને ઓપન કરવી પડશે.

ભરતી માટેની પ્રક્રિયામાં ભાગ લેવાની તેમને પણ તક મળવી જોઈએ

હાલ આ ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. જેથી, આ કરવું યોગ્ય નથી. સરકારની આ રજૂઆતનો અરજદારે વિરોધ કરેલો. અરજદારના વકીલની રજૂઆત હતી કે, અરજદારો ભલે મોટર ટ્રાંસપોર્ટ વિભાગમાં નોકરી કરતા હોય, પરંતુ તેઓ પોલીસ વિભાગનો જ એક ભાગ છે. જેથી, પીએસઆઈની ભરતી માટેની પ્રક્રિયામાં ભાગ લેવાની તેમને પણ તક મળવી જોઈએ.

સિંગલ જજે આદેશ આપેલો કે આ 21 ઉમેદવારોની પરીક્ષા લો

ભૂતકાળમાં હાઈકોર્ટે પોલીસ ખાતાના મોટર ટ્રાંસપોર્ટ વિભાગના કોન્સ્ટેબલ્સને પીએસઆઈની ભરતીની મુખ્ય પરીક્ષામાં બેસવા દેવાનો આદેશ કરેલો. જેના અનુસંધાને 57 ઉમેદવારો આ ભરતીની મુખ્ય પરીક્ષામાં ભાગ લીધો હતો. જો કે, સંબંધિત ઓથોરિટીએ આ 21 અરજદારો પરીક્ષા આપવાથી વંચિત રાખેલા. એકવાર હાઈકોર્ટનો આદેશ થાય એટલે બાકી રહેલા ઉમેદવારો માટે પરીક્ષા યોજવી પડે. ઓથોરિટી આદેશના પાલનને અવગણી શકે નહીં. આ પછી, સિંગલ જજે આદેશ આપેલો કે આ 21 ઉમેદવારોની પરીક્ષા લો. મહત્વનુ છે કે, આ ભરતી પ્રક્રિયા માટે ગત વર્ષે જાહેરાત બહાર પડેલી. જેના માટે 12 જૂને-2022 મુખ્ય પરીક્ષાનુ આયોજન કરાયેલુ.

Back to top button