વિવાદિત અમુલ ડેરી વા.ચેરમેનની ચૂંટણીમાં હાઇકોર્ટે આપ્યો આ મહત્વનો ચુકાદો
એશિયાની સૌથી મોટી દૂધની ડેરી અમુલમાં ચેરમેન અને વા.ચેરમેન પદની ચૂંટણી અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વા.ચેરમેન પદના ઉમેદવાર અને બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર તરફે ચુકાદો આપતા ચૂંટણીમાં સરકારે નિમણુંક કરેલા ત્રણ પ્રતિનિધિઓને ગેરકાયદે ગણી તેમના મત રદ કરવાની સૂચના આપતો હુકમ કર્યો છે.
શું છે સમગ્ર વિવાદ ?
આ સમગ્ર વિવાદની જો વાત કરવામાં આવે તો અમુલ ડેરીના ચેરમેન અને વા. ચેરમેન પદની ગત તા. 20 ઓક્ટોબર 2020ના ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં રાજકિય કાવાદાવાના ભાગરૂપે સરકાર દ્વારા ત્રણ પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવી હતી અને તેમના દ્વારા મતદાન પણ કરાવવામાં આવ્યું હતું. જે મતદાનનો વિરોધ કોંગ્રેસના ધારાસભ્ય અમૂલના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, કાંતિ સોઢા પરમાર સંજય પટેલ, ઘેલાભાઈ ઝાલા, જુવાનસિંહ ચૌહાણ, વિપુલ પટેલ, રણજીત પટેલ, શારદાબેન પટેલ અને સીતાબેન પરમાર સહિત 9 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
અગાઉ ચૂંટણીમાં પ્રતિનિધિઓ નહીં તો હવે કેમ ?
ત્યારે આ મામલે તમામ ડિરેક્ટર્સ રજિસ્ટ્રારની ઓફિસે પહોંચ્યા હતા. આ મામલે રાજેન્દ્રસિંહ પરમારે રજૂઆત કરી કે, ભૂતકાળમાં સરકાર દ્વારા આવી રીતે કોઈ સભ્યો મૂકાયા નથી તો હાલ કેમ મૂકો છો. 3 નોમિનેટ ડિરેકટર ન મુકવાની રજુઆત કરવામાં આવી હતી અને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જેના પગલે કોર્ટ દ્વારા સમગ્ર મામલે આકરૂ વલણ અપનાવતા ચૂંટણીના પરિણામો જાહેર કરવા ઉપર પ્રતિબંધ લગાવ્યો હતો.
અરજદાર રાજેન્દ્રસિંહ પરમારની તરફેણમાં ચુકાદો
દરમિયાન આજે શુક્રવારે હાઈકોર્ટ દ્વારા આ મામલે રાજેન્દ્રસિંહ પરમારની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે અને ત્રણેય નોમીનેટેડ સભ્યોના મત રદ કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2002થી રામસિંહ પરમાર અમૂલના ચેરમેન છે. ચેરમેન પદે રામસિંહ પરમાર અને વા.ચેરમેનના પદે રાજેન્દ્રસિંહ પરમાર જે તે સમયે સરકારી પ્રતિનિધિઓની નિમણૂંકનો વિરોધ કરી રહ્યાં હતા અને આ મામલે સ્ટેટ રજિસ્ટ્રારને પણ અપીલ કરાઇ હતી. ત્યારબાદ અરજી કરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઇકોર્ટે 21 તારીખે પિટીશનમાં નોટ બી ફોર મી કર્યુ હતું. ત્યારબાદ 22 તારીખની સુનાવણીમાં સરકારી પ્રતિનિધિઓના વોટ બંધ કવરમાં રાખવાનો હુકમ કરાયો હતો.