ગુજરાતમાં બે દિવસ બાદ ગરમીનો ‘પારો’ વધશે! જાણો હવામાન વિભાગની અપડેટ


- ગરમી વધશે અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે
- વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે
- વિવિધ વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ થઈ શકે
રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, વહેલી સવારે ઠંડી અને બપોરે આકરી ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. હવે રાજ્યમાં ધીરે ધીરે તાપમાનમાં વધારો થયો છે, ત્યારે હવામાન વિભાગ અનુસાર, પવનની દિશા બદલાતા રાજ્યમાં 22મી માર્ચથી ગરમી વધશે અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે.
વિવિધ વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ થઈ શકે
હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે, જે ગરમ રહેશે. તેને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થશે. અમુક પવનો ઉત્તર-પૂર્વના પણ હોઈ શકે છે. જેથી, રાજ્યના વિવિધ વિસ્તારોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ થઈ શકે છે.
ધીમે-ધીમે તાપમાનમાં પણ વધારો થતાં ગરમીનો અનુભવ રહેશે
આગામી 24 કલાક હજુ પણ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવવાથી બફારાનો અનુભવ થશે. ત્યારબાદ બે દિવસથી દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ રાહતનો અનુભવ થશે પરંતુ, તેની સાથે-સાથે ધીમે-ધીમે તાપમાનમાં પણ વધારો થતાં ગરમીનો અનુભવ રહેશે.