ફેમિલી કોર્ટના હુકમ સામે 90 દિવસમાં કરેલી અપીલ માન્ય ગણાશે તેમ ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે. લગ્નજીવનના કેસોમાં ફેમિલી કોર્ટના હુકમ સામે અપીલ અંગે HCનો નિર્ણય આવ્યો છે. જેમાં ફેમિલી કોર્ટ એક્ટ મુજબ 30 દિવસમાં અપીલની મુદત હોવાથી ગૂંચવણ ઉભી થઇ છે. તેમજ ફેમિલી કોર્ટના હુકમ સામે 90 દિવસમાં અપીલ કરાઈ હોય તો તે માન્ય છે.
અપીલ કરવાની સમય અવધિ 30 દિવસથી વધારીને 90 દિવસ કરેલી
ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ચુકાદો આપ્યો છે કે, હિન્દુ મેરેજ એક્ટ 1955 હેઠળ લગ્નજીવન અંગેના તકરારના કેસોમાં ફેમિલી કોર્ટના હુકમની સામે અપીલ ફાઈલ કરવાની સમય મર્યાદા 90 દિવસની છે. હિન્દુ મેરેજ એક્ટ અને ફેમિલી કોર્ટ એક્ટની બે જોગવાઈઓના કારણે ઉભી થયેલી ગુંચવણના મુદ્દે હાઈકોર્ટે આ ચુકાદો આપેલો છે. ગુજરાત હાઈકોર્ટે એ પણ ટાંક્યું છે કે, સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં હિન્દુ મેરેજ એક્ટની સેક્શન 28(4)માં સુધારો કરીને અપીલ કરવાની સમય અવધિ 30 દિવસથી વધારીને 90 દિવસ કરેલી છે. જેથી, ફેમિલી કોર્ટના હુકમ સામે 90 દિવસમાં અપીલ કરાઈ હોય તો તે માન્ય છે.
સમયમર્યાદા હિન્દુ મેરેજ એક્ટ-1955ની કલમ 28 હેઠળ જ સુચિત કરાયેલી
આ ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે બોમ્બે હાઈકોર્ટના ફુલ બેંચના ચુકાદાના ટાંકીને પણ કહ્યું છે કે, બોમ્બે હાઈકોર્ટે પણ તેના એક ચુકાદામાં પ્રસ્થાપિત કરેલુ છે કે ફેમિલી કોર્ટ એક્ટ 1984ની કલમ 19 હેઠળ તેના હુકમ સામે અપીલ ફાઈલ કરવાની સમયમર્યાદા હિન્દુ મેરેજ એક્ટ-1955ની કલમ 28 હેઠળ જ સુચિત કરાયેલી છે. જે 90 દિવસની છે.
ફેમિલિ કોર્ટ્સ એક્ટ-1984માં વર્ષ 2003માં સુધારો કરાયેલો
અરજદારના વકીલની રજૂઆત હતી કે, તેણે અપીલ ફાઈલ કરવામાં કોઈ વિલંબ કર્યો નથી. હિન્દુ મેરેજ એક્ટની કલમ 28(4) મુજબ ફેમિલી કોર્ટના હુકમ સામે અપીલ ફાઈલ કરવાની સમયમર્યાદા 90 દિવસની છે. ફેમિલિ કોર્ટ્સ એક્ટ-1984માં વર્ષ 2003માં સુધારો કરાયેલો છે. જેથી, અપીલ ફાઈલ કરવા માટે 90 દિવસની સમયમર્યાદાને જ માન્ય ગણવી જોઈએ. આ સંદર્ભે ચુકાદાઓ પણ છે. કેસની વિગત જોઈએ તો અરજદારે ફેમિલી કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરેલી. જો કે, આ સમયે, રજીસ્ટ્રીએ સાત દિવસના વિલંબનો વાંધો ઉઠાવેલો. મહત્વનુ છે કે, હિન્દુ મેરેજ એક્ટની કલમ 28 મુજબ ફેમીલી કોર્ટના હુકમ સામે 90 દિવસમાં અપીલ કરી શકાય છે, જ્યારે ફેમિલી કોર્ટ એક્ટની કલમ-19 મુજબ આ સમયમર્યાદા 30 દિવસની છે. જેથી, આ ગુંચવણ સર્જાયેલી.