ફરી લંબાવ્યો મિત્રતાનો હાથ! PM મોદીએ શાહબાઝ શરીફને શુભેચ્છા પાઠવી
- PM મોદીએ ટ્વિટર પર પોસ્ટ મૂકીને શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂટાવા બદલ અભિનંદન આપ્યા
નવી દિલ્હી, 5 માર્ચ: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા છે. તેમણે X(ટ્વિટર) પર પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે શેહબાઝ શરીફને પાકિસ્તાનના પીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ઘણી ઉથલપાથલ બાદ એ નક્કી થયું છે કે, શાહબાઝ શરીફ પીએમ બનશે. શાહબાઝ શરીફે સોમવારે સત્તાવાર રીતે બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા. અનિશ્ચિત રાષ્ટ્રીય ચૂંટણીને કારણે ગઠબંધન સરકારની રચનામાં વિલંબ થયાના લગભગ ચાર અઠવાડિયા પછી તેમણે પદના શપથ લીધા હતા.
Congratulations to @CMShehbaz on being sworn in as the Prime Minister of Pakistan.
— Narendra Modi (@narendramodi) March 5, 2024
શાહબાઝ ફરી એકવાર પીએમના રોલમાં પરત ફર્યા
શાહબાઝ શરીફ ફરી એકવાર પાછલા વર્ષે ઓગસ્ટ સુધી તેણે ભજવેલી ભૂમિકા પર પાછા ફર્યા છે, જ્યારે ચૂંટણીની તૈયારી માટે સંસદ ભંગ કરવામાં આવી હતી. અર્થશાસ્ત્રીઓ, રોકાણકારો અને વિદેશી મૂડી હવે કેબિનેટ, ખાસ કરીને નિર્ણાયક ફાઇનાન્સ પોર્ટફોલિયો અંગે શરીફની જાહેરાત પર નજીકથી નજર રાખશે. આગામી નાણાપ્રધાને અબજો ડોલરના નવા ભંડોળ કરારને સુરક્ષિત કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે તાત્કાલિક વાટાઘાટો કરવી પડશે, હાલનો કરાર એપ્રિલમાં સમાપ્ત થઈ રહ્યો છે. PML-N સૂત્રમાંથી મળતી માહિતી મુજબ, ચાર વખત નાણા પ્રધાન રહી ચૂકેલા ઇશાક ડાર ટોચના દાવેદાર છે, જોકે અન્ય ઘણા ઉમેદવારો પર ગંભીરતાથી વિચારણા કરવામાં આવી રહી છે.
કયા દેશે સૌથી પહેલો અભિનંદન પાઠવ્યા?
શાહબાઝ શરીફને તુર્કીએ તરફથી સૌથી પહેલો અભિનંદન સંદેશ મળ્યો હતો. શપથ ગ્રહણ સમારોહના એક દિવસ પહેલા તુકીએ શાહબાઝને શુભેચ્છા પાઠવી હતી. શાહબાઝ શરીફ પાકિસ્તાનના 24મા પીએમ બન્યા છે. તેઓ 3 માર્ચ 2024ના રોજ વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. તેમને 201 સાંસદોનું સમર્થન મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેમણે સંસદમાં 1 કલાક 24 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમની જીભ લપસી ગઈ હતી. તેમણે પોતાને પીએમને બદલે વિપક્ષના નેતા કહી દીધા હતા. શાહબાઝ શરીફે કાશ્મીરનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને સમર્થન આપતા સાંસદોના વિરોધ છતાં સંસદે તેમને વડા પ્રધાન તરીકે ચૂંટ્યાના એક દિવસ પછી શરીફે રાજધાની ઇસ્લામાબાદમાં રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે શપથ ગ્રહણ સમારોહમાં સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો.
આ પણ જુઓ: વીડિયો શેર કરીને શખ્સે PM મોદી અને સીએમ યોગીને મારી નાખવાની ધમકી આપી