રાજ્યના ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી વર્ષ 2022-23માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળુ મગ પાકનો ટેકાનો ભાવ રૂ. 7755 પ્રતિ ક્વિન્ટલ રહેશે.
- 37 ખરીદ કેન્દ્રો ખાતે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી
- ટેકાના ભાવે ખરીદી માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન
- કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલે આયોજનની સમીક્ષા કરી
- ટેકાના ભાવે ખરીદીનો વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા અનુરોધ
રાજ્યના તમામ જિલ્લાઓમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તારીખ 29મેથી ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં ઉનાળુ મગની ખરીદી માટે રાજ્યમાં 37 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી 1 જૂનથી શરૂ કરવામાં આવશે અને ઓનલાઈન નોંધણી પણ ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પાણી માટે સંકટ તો નથી ને, જાણો ડેમની સ્થિતિ
રાજ્યના ખેડૂતો કોઈપણ તકલીફ વગર સરળતાથી પોતાના ઉત્પાદનો ટેકાના ભાવે વેચી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરા આયોજન અને તમામ આનુશાંગીક તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજી હતી અને રાજ્યના ખેડૂત ભાઈઓને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.