ગુજરાત સરકારે તાતા કંપની પાસેથી બે વર્ષમાં 8,788 કરોડની વીજળી ખરીદી છે. જેમાં નવી ફોર્મ્યુલાથી રાજ્યની તિજોરીને 4,774 કરોડનું જંગી નુકસાન થયુ છે. અગાઉના 2.26ના PPAને બદલે સરેરાશ રૂ.4.95ના ઊંચા ભાવે ચુકવણું થયું છે. તેમજ અદાણીને રૂ. 7.02નો અને તાતાને રૂ. 4.95નો ભાવ અપાયો છે. ગુજરાત સરકારે તાતાજૂથની મુંદ્રા ખાતે આવેલી કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ કંપની પાસેથી છેલ્લા બે કેલેન્ડર વર્ષમાં રૂ.1,597 કરોડ ફિકસ્ડ ચાર્જ અને રૂ.7,191 કરોડ એનર્જી ચાર્જ મળીને કુલ રૂ. 8,788 કરોડમાં કુલ 17,761 મિલિયન યુનિટ વીજળી ખરીદી હતી, જેમાં કુલ મળીને સરેરાશ યુનિટે રૂ.4.95નો ભાવ ચૂક્વાયો હતો. વિધાનસભામાં આ વિગતો બહાર આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCના 4 અધિકારીઓને કામમાં બેદરકારી બદલ શોકોઝ નોટિસ ફટકારાઇ
2022ના કેલેન્ડર વર્ષમાં 10,446 મિલિયન યુનિટ વીજળી ખરીદાઈ
તાતા જૂથની કંપની સાથે તા. 22-4-2007ના રોજ રૂ. 2.26ના ભાવે વીજળી મેળવવા ગુજરાત સરકારની ઊર્જા ક્ષેત્રની કંપની જીયુવીએનએલએ 25 વર્ષના કરાર કર્યા હતા. એ પછી 2018માં એચડીએફસીના ચેરમેન દીપક પારેખની આગેવાનીમાં હાઈલેવલ કમિટી રચાઈ અને એની ભલામણોને આધારે રાજ્ય આ કંપની સાથે સપ્લિમેન્ટ કરાર કર્યો હતો.
ત્યારબાદ 2021ના કેલેન્ડર વર્ષ દરમિયાન આ કંપની પાસેથી 7,315 મિલિયન યુનિટ વીજળી ખરીદાઈ હતી, જેમાં કુલ ફિક્સ્ડ ચાર્જ રૂ. 703 કરોડ અને રૂ. 2.81ના ભાવે એનર્જી ચાર્જ રૂ. 2048 કરોડ ચૂકવાયો હતો જ્યારે 2022ના કેલેન્ડર વર્ષમાં 10,446 મિલિયન યુનિટ વીજળી ખરીદાઈ હતી, જેમાં ફિકસ્ડ ચાર્જ પેટે રૂ. 894 કરોડ તથા રૂ.4.92ના ભાવે એનર્જી ચાર્જ કુલ રૂ. 5,143 કરોડ ચૂકવાયો હતો.
આ પણ વાંચો: ગુજરાત: ભાજપના નેતાઓનો યોજાશે ત્રણ દિવસીય અભ્યાસ વર્ગ
યુનિટદીઠ સરેરાશ રૂ. 4.95નો ભાવ ચૂકવાયો હોવાનું વિધાનસભામાં જાહેર થયું
જો સરકાર રૂ.2.26ના શરૂઆતના પીપીએને વળગી રહી હોત તો બે વર્ષમાં કુલ 17,761 મિલિયન યુનિટની ખરીદી બદલ તાતા કંપનીને કુલ રૂ.4013.98 કરોડનું પેમેન્ટ કરવું પડયું હોત અને રાજ્ય સરકારને રૂ.4,774 કરોડનું થયેલું નુકસાન નિવારી શકાયું હોત.
અગાઉ અદાણી જૂથની અદાણી પાવર લિમિટેડને ફિકસ્ડ ચાર્જ તથા એનર્જી ચાર્જ સાથે ગણતાં યુનિટદીઠ સરેરાશ રૂ. 7.02નો ભાવ છેલ્લા બે વર્ષમાં અપાયો હોવાનું વિધાનસભામાં બહાર આવ્યું હતું. હવે તાતા જૂથની કંપનીને છેલ્લા બે કેલેન્ડર વર્ષમાં ફિકસ્ડ ચાર્જ તથા એનર્જી ચાર્જ સાથે ગણતાં યુનિટદીઠ સરેરાશ રૂ. 4.95નો ભાવ ચૂકવાયો હોવાનું વિધાનસભામાં જાહેર થયું છે.