દક્ષિણ ગુજરાતમાં 1લી નવેમ્બરથી CNG ગેસ વેચાણ બંધ, જાણો શું છે કારણ


ગુજરાત સરકારે સી.એન.જી અને પી.એન.જી ગેસ પર વસૂલાતા વેટના દરમાં 15 ટકાના દરમાં 10 ટકાનો ઘટાળો કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે સી.એન.જી ગેસ પંપ ધારકોએ વાહન ચાલકોને 5 ટકા વેટ સાથે ગેસ ફિલિંગ કરી આપવાનું શરુ કરી દીધુ છે. પરંતુ, હજુ સુધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ગેસ સપ્લાય કરતી કંપનીઓ) દ્વારા સીએનજી પંપ ધારકો પાસેથી 15 ટકાના દરે જ વેટ વસૂલવાનું ચાલુ રાખતા આખરે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ ધારકોએ તા.1લી નવેમ્બર 2022થી અચોક્કસ મુદત માટે હડતાળનું એલાન કર્યું છે.

દક્ષિણ ગુજરાતમાં સીએનજી ગેસ વેચાણ બંધ
સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર એસોસીએશનના પ્રમુખ સુરેશભાઇ દેસાઇ, સીએનજી એસોસીએશનના નિરજ મોદી સહિતના હોદ્દેદારોએ સંયુક્ત પણે જણાવ્યું હતું કે સીએનજી અને પીએનજી પર 10 ટકા વેટ ઘટાડા અંગેના રાજ્ય સરકારના નિર્ણય અંગે ગૂંચવાડાભરી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારના આદેશ અનુસાર સીએનજી પંપ ધારકોએ તાત્કાલિક અસરથી સીએનજી પંપ પરથી વાહનોમાં ફિલિંગ કરી અપાતા ગેસ પર 5 ટકા પ્રમાણે વેટ વસૂલવાનું શરૂ કર્યું છે. પરંતુ, બીજી તરફ, સીએનજી પંપ ધારકોને ગેસ પુરવઠો પુરો પાડી રહેલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 15 ટકાના હિસાબે વેટ વસૂલવાનું જારી રાખ્યું છે. આવી સ્થિતિમાં સીએનજી પંપ ધારકોને 10 ટકા વેટની રકમની નુકસાની હાલ પ્રતિદિન ભોગવી પડી રહી છે. જેના કારણે તા.1લી નવેમ્બર 2022થી સુરત અને તાપી જિલ્લામાં આવેલા તમામે તમામ સીએનજી ગેસ પંપો પરથી સીએનજી ગેસ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: મોરબીમાં બ્રિજ દુર્ઘટના બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે કહ્યું- આ માનવસર્જિત દુર્ઘટના છે, ભાજપ સરકાર દોષિત