ઉત્તર ગુજરાતગુજરાતમધ્ય ગુજરાત

ન્યૂઈન્ડિયા વાયબ્રન્ટ હેકાથોનનું ગ્રાન્ડ ફિનાલે 25મીએ ગાંધીનગરમાં યોજાશે

  • ન્યૂઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન ૨૦૨૩ના ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડમાં 1 હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે.
  • 180 જેટલી ટીમો ભાગ લેશે, વિજેતા ટીમોને રુ.42 લાખના પુરસ્કારોનું વિતરણ કરાશે.

ગાંધીનગર, 24 નવેમ્બર: ગુજરાત નોલેજ સોસાયટી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP 2.0) હેઠળ આવતીકાલે તા.૨પમી નવેમ્બરના રોજ સવારે ૯.૦૦ કલાકે પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે ન્યૂઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ઉચ્ચ-ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડૌર અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે ઉદધાટન કાર્યક્રમ યોજાશે.

મંત્રીઓ આ વેળાએ રાજ્યના વિવિધ સરકારી વિભાગો, મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા વહીવટી કચેરીઓ અને PSU દ્વારા આપવામાં આવતી વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલો વિકસાવવા ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોના ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે.

1 હજાર જેટલા વિદ્યાર્થીઓ લેશે ભાગ

આ ન્યૂઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન ૨૦૨૩ના ગ્રાન્ડ ફિનાલે રાઉન્ડમાં શાળા કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા રચવામાં આવેલી ૧૦ થી વધુ ટીમો અને સમગ્ર દેશમાંથી રાજ્ય બહારની ૨૦થી વધુ ટીમો સહિત લગભગ ૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની લગભગ ૧૮૦ ટીમો ભાગ લેશે. વિજેતા ટીમોને  ૩૦ સેક્ટર-વાઈઝ કેટેગરીમાં કુલ રૂ. ૪૨ લાખના પુરસ્કારોનું વિતરણ કરવામાં આવશે, જેમાં શ્રેષ્ઠ “ઓલ ગર્લ્સ ટીમ” પુરસ્કારો અને ‘શ્રેષ્ઠ શાળા કક્ષા’ના ટીમ પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

શું છે હેકાથોન કાર્યક્રમ ?

ગુજરાત નોલેજ સોસાયટી (GKS) દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ એન્ડ ઇનોવેશન પોલિસી (SSIP 2.0) હેઠળ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત હેકાથોન એ એક વાર્ષિક કાર્યક્રમ છે. ગુજરાત નોલેજ સોસાયટી (GKS) દ્વારા વર્ષ ૨૦૧૭ થી ચાર હેકાથોનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે હેકાથોનની પાંચમી આવૃત્તિ “ન્યુ ઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોન 2023” ઓગસ્ટથી નવેમ્બર ૨૦૨૩ દરમિયાન આયોજન કરાયું હતું.

પાંચ વર્ષમાં 47 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો

છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત હેકાથોનમાં કુલ ૪૭,૦૦૦ વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો છે અને વિવિધ સરકારી વિભાગો, PSU અને નગરપાલિકાઓ તેમજ વિવિધ ઉદ્યોગો દ્વારા સૂચવવામાં આવેલા ૧,૪૧૨ સમસ્યા નિવેદનો પર કામ કર્યું છે. છેલ્લા ૫ વર્ષમાં, કુલ ૯,૫૦૫ નોંધાયેલ ટીમોમાંથી,૧૩૮ ટીમોએ ગ્રાન્ડ ફિનાલે જીતી હતી અને તેમને વિવિધ શ્રેણીઓ હેઠળ રૂ. ૪૭.૨૫ લાખની ઈનામી રકમ આપવામાં આવી હતી.

ન્યૂઈન્ડિયા વાઈબ્રન્ટ હેકાથોનના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન, વિદ્યાર્થીઓ વિવિધ સરકારી વિભાગો, કોર્પોરેશનો, પીએસયુ, જિલ્લા વહીવટી કચેરીઓ અને જિલ્લા વિકાસ કચેરીઓ દ્વારા આપવામાં આવેલા વિવિધ સમસ્યાના નિવેદનો માટે ઉકેલો વિકસાવવાનો પ્રયાસ કરશે, જેવા કે, મચ્છર સંવર્ધન સ્થળોની ઓળખ કરવી, હવા-ગુણવત્તા સૂચકાંકમાં સુધારો કરવા માટે ટેકનોલોજી-આધારિત ઉકેલ, રહેણાંક વિસ્તારો માટે સૂકા-ઘન કચરાનું વ્યવસ્થાપન, વર્તમાન સ્થાન આધારિત જમીન મહેસૂલ સર્વે નંબર શોધક: એક મોબાઇલ એપ, વિવિધ ખનિજોના પરિવહન પર દેખરેખ રાખવા માટે રીઅલ-ટાઇમ સિસ્ટમ, વિવિધ ચેપી રોગો માટે ફિલ્ડ ડાયગ્નોસ્ટિક કિટ્સ વિકસિત કરવી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ મેનેજમેન્ટ પોર્ટલ, વિદ્યાર્થીઓના કોલેજ ટ્રાન્સફર રેકોર્ડ માટેની અરજી, ભૂગર્ભ ધાતુની પાઈપલાઈનોમાં ગેસ લીકેજ શોધવા માટે સ્માર્ટ મિકેનિઝમ,“વન નેશન, વન ચલણ” એપ્લિકેશન માટે ગ્રાહક ફરિયાદ પોર્ટલનો સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો: જૂનાગઢઃ જય ગિરનારી નાદ સાથે લીલી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર

Back to top button