- આ વર્ષે 1 લાખથી વધારે વિધાર્થીઓ ધો. 9માં જોડાયા
- વિદ્યાર્થીઓની દૈનિક ઓનલાઇન હાજરીનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનીટરીંગ
- ડ્રોપઆઉટ ઘટાડવા કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યલક્ષી શિક્ષણ મેળવે તેવો ઉદેશ્ય
ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે વિકાસ સાધવા સરકાર દ્વારા અનેક નોંધપાત્ર પ્રયાસો થઇ રહ્યા છે. શિક્ષણ પ્રત્યે જાગૃત સરકાર દ્વારા ધો. 8 થી 9માં ડ્રોપ આઉટ ઘટાડવાના સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના ધોરણ 8 થી 9માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓ તેમજ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની વિગતો રાજ્યની ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમના ડેટા આધારે જોઇએ તો ચાલુ વર્ષ 2023-24 દરમ્યાન શિક્ષણ વિભાગ ધોરણ 9માં પ્રવેશપાત્ર દરેક વિદ્યાર્થીને ટ્રેક કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓના નામ, શાળાના નામ સાથે એક નામજોગ ડેટા બેઝ તૈયાર કરવામાં આવ્યો છે.
ટ્રાયબલ વિસ્તારોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો
શિક્ષણ વિભાગ અને શિક્ષકોના સહિયારા પ્રયાસથી દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને શિક્ષણનું મહત્ત્વ સમજાવી, ગણતરીના દિવસોમાં ઝુંબેશ ચલાવી આશરે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનો ધોરણ 9માં પ્રવેશ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓની ઓનલાઇન દૈનિક હાજરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે સુનિશ્ચિત કરવામાં આવશે. આ સાથે જ ગુજરાતના અન્ય મોટા જિલ્લાઓ તેમજ ટ્રાયબલ વિસ્તારોમાં પણ ધોરણ 8 થી 9નો ડ્રોપઆઉટ રેંટ ખૂબ ઘટ્યો છે. જેમાં મુખ્યત્વે ડાંગમાં 23.8% થી ઘટીને 4.2%, બનાસકાંઠામાં 23.4% થી ઘટીને 6.8%, કચ્છમાં 27.2% થી ઘટીને 4.8% અને પાટણમાં 18.9% થી ઘટીને 4.3% જેટલો થયો છે.
શહેરી વિસ્તારોમાં પણ સારી સ્થિતિ
રાજ્યના કોર્પોરેશન વિસ્તારોમાં પણ વર્ષ 2022-23ની સાપેક્ષમાં ધોરણ 8 થી 9નો ડ્રોપઆઉટ રેટ ઘટ્યો છે જેમાં અમદાવાદમાં 14.5% થી ઘટીને 3.5%, વડોદરામાં 7.5% થી ઘટીને 1.8% રાજકોટમાં 12.8% થી ઘટીને 3.2%, સુરતમાં 15.8% થી ઘટીને 6.6% થયો છે. વધુમાં કન્યા ડ્રોપઆઉટ રેટ પણ વર્ષ 2022- 23ના 15.88% થી ઘટીને વર્ષ 2023-24માં 3.37% થયો છે અને કુમાર ડ્રોપઆઉટ પણ 11.88% થી ઘટીને 2.39% થયો છે. આમ, ધોરણ 8થી 9નો રાજ્યનો સરેરાશ ડ્રોપઆઉટ રેટ ચાલુ વર્ષ 2023-24માં ધટીને 50 55% થવા પામ્યો છે. સરકારનો અને શિક્ષણ વિભાગનો ઉદ્દેશ્ય માત્ર ધોરણ 9માં પ્રવેશ અપાવી ડ્રોપઆઉટ ઘટાડવાનો નથી. વિદ્યાર્થીઓને અભ્યાસની ઉત્તમ તક મળે અને આગળ વધે.