ડુંગળી પકવતા ખેડૂતોને યોગ્ય ભાવ-સહાય મળી રહે તે અંગે સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત
ગુજરાતમાં ડુંગળી પકવતાં ખેડૂતોને યોગ્ય ભાવ-સહાય સમયસર મળી રહે તે અંગે મુખ રાજ્ય સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરશે તેમ કેબિનેટ બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો : ખેડૂત 70 કિમી ચાલીને 512 કિલો ડુંગળી વેચવા ગયો, નફો માત્ર 2/- રૂ !
પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, મે માસમાં સંગ્રહ થયેલી ડુંગળીનો ઓક્ટોબર- નવેમ્બર મહિનામાં વપરાશ થઈ જતાં તેમજ મહારાષ્ટ્ર- રાજસ્થાનથી ડુંગળીનો ખરીફ પાક બજારમાં આવતા ભાવમાં વધઘટ થાય છે જેથી ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. રાજયમાં ડુંગળી પકવતા મુખ્ય જિલ્લાઓમાં ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી વગેરેનો સમાવેશ થાય છે. ખરીફ, લેટ ખરીફ તથા રવી ઋતુ દરમ્યાન ઓક્ટોમ્બરથી ફેબ્રુઆરીમાં સારા બજારભાવ મળતાં હોવાથી લીલી ડુંગળીનું પણ વેચાણ થાય છે તેમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં ડુંગળીના પાકનું છેલ્લા પાંચ વર્ષમાં પ્રતિવર્ષ સરેરાશ વાવેતર વિસ્તાર 64,646 હેકટર છે. જ્યારે ગુજરાતમાં ચાલુ વર્ષ 2022-23માં અંદાજિત વાવેતર 69,779 હેક્ટર જેટલું થયું છે જેમાંથી અંદાજિત 17.36 લાખ મે.ટન જેટલું ઉત્પાદન મળવાની શક્યતા છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર : ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખેડૂતને રડાવી રહી છે
રાજ્યમાં ખેડૂતો દ્વારા ડુંગળીનું વેચાણ મુખ્યત્વે મહુવા, ભાવનગર, રાજકોટ અને ગોંડલ એ.પી.એમ.સી.માં થાય છે. હાલમાં સરેરાશ લાલ ડુંગળીના વેચાણ ભાવ ખેડૂતોને એકંદરે રૂા. 5/- પ્રતિ કિલો મળે છે જે ઉત્પાદન ખર્ચ કરતાં ઓછો હોવાથી સરકાર ખેડૂતોને નુક્સાન ન જાય તે માટે ટૂંક સમયમાં યોગ્ય ભાવ અંગે હકારાત્મક નિર્ણય કરશે તેમ મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું. આ વર્ષે ગુજરાતમાં અંદાજે 69,779 હેક્ટર વિસ્તારમાં વાવેતરથી અંદાજે 17.36 લાખ મેં.ટન ડુંગળી ઉત્પાદનની શક્યતા છે.