ગુજરાતમાં હીટવેવ સામેની લડાઈમાં 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો
- મુખ્યમંત્રીની આગેવાનીમાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન
- હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરાયા
- સીએમએ નાગરિકોની સુરક્ષા માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે અમલ થાય તેવી તાકીદ કરી
ગુજરાતમાં હીટવેવ સામેની લડાઈમાં 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આગોતરા આયોજન માટે મુખ્યમંત્રીના વડપણમાં બેઠક યોજાઇ છે. તેમજ પ્રવાસન સ્થળોને બપોરે બંધ રાખવા સહિતના પગલાં ભરાશે. ગુજરાતમાં આગામી સમયમાં હિટવેવની પરિસ્થિતિને ધ્યાને રાખી રાજ્ય સ્તરે આગોતરું આયોજન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં રાજ્યના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું.
આ પણ વાંચો: ગુજરાત: રામનવમી અને લોકસભા ચૂંટણીને પગલે પોલીસ એલર્ટ, મોબાઈલ કેમેરા અને FRCથી રાખશે નજર
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો
મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ જણાવ્યું હતું કે, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સંભવિત હીટવેવ સામે લડવાનો એક્શન પ્લાન તૈયાર કરાયો છે, હીટવેવ સામેની લડાઈમાં આઠ વિભાગોને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર, પાણી પુરવઠા, શિક્ષણ, પ્રવાસન, ઉર્જા, પરિવહન, શહેરી વિકાસ અને પંચાયત વિભાગને સાંકળીને એક્શન પ્લાન તૈયાર કરાયો છે, હીટવેવની સ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા અને એક્શન પ્લાન અંગેની વિગતો રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મારફતે તમામ 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે.
હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરાયા
સીએમએ નાગરિકોની સુરક્ષા માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તેમજ એક્શન પ્લાનનો પૂર્ણતઃ અમલ થાય તેવી તાકીદ કરી હતી. ઝીરો કેઝયુઅલ્ટી એપ્રોચ સાથે માનવજીવન અને પશુધનની રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા સહિતના સૂચનો કર્યા હતા. રાહત કમિશનરે મલ્ટી પર્પઝ સાયકલોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાશ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડવા, હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પરિણામે રાજ્યના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ઝાપટુંની સ્થિતિને કારણે હીટવેવ આવતા નથી, તેમ છતાં જો હીટવેવ આવે તો એક્શન પ્લાન તૈયાર છે.