મહાઠગ કિરણ પટેલની જમ્મુ અને કાશ્મીર મુલાકાત અંગે જમ્મુ કાશ્મીર તંત્ર દ્વારા બુધવારે તપાસના આદેશ આપ્યા હતા અને આ તપાસ કરવા માટે ડિવિઝનલ કમિશનર કાશ્મીર વિજય કુમાર બિધુરીને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા હતા. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, કિરણ પટેલની કાશ્મીરની મુલાકાતો સંબંધિત વિવિધ પાસાઓની તપાસ કરવા માટે તપાસ અધિકારી તરીકે વિજય કુમાર બિધુરી (IAS, વિભાગીય કમિશનર, કાશ્મીર)ની નિમણૂક કરવામાં આવી છે. કાશ્મીરના ગૃહ વિભાગ દ્વારા આ અંગે આદેશ આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ અધિકારી સંબંધિત અધિકારીઓની ક્ષતિઓની તપાસ કરશે અને એક સપ્તાહની અંદર વિગતવાર રિપોર્ટ સબમિટ કરશે.
આ પણ વાંચો : જંત્રીના નવા દર લાગુ થાય તે પહેલા દસ્તાવેજ કરાવી લેજો, જાણો શું કહ્યું સરકારે !
પોલીસના જણાવ્યા મુજબ, 2 માર્ચ, 2023ના રોજ, જમ્મુ અને કાશ્મીર પોલીસની CID વિંગે પોલીસને કાશ્મીરમાં મહાઠગ કિરણ પટેલ વિશે માહિતી આપી હતી. વધુમાં પોલીસે ઉમેર્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમ તે હોટલ પર ગઈ જ્યાં તે વ્યક્તિ રોકાયો હતો. આ વ્યક્તિની ઓળખ ગુજરાતના અમદાવાદના રહેવાસી કિરણ પટેલ તરીકે થઈ હતી, જે પોતાની જાતને પીએમઓ નવી દિલ્હીના એડિશનલ ડિરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે ઓળખાવતો હતો. તેના જવાબો શંકાસ્પદ જણાયા હોવાથી, તેને પોલીસ સ્ટેશન નિશાત, શ્રીનગર લઈ જવામાં આવ્યો જ્યાં તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેની પાસેથી દસ નકલી વિઝિટિંગ કાર્ડ અને બે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા.ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 419, 420, 467, 468 અને 471 હેઠળ કેસ 2 માર્ચ, 2023 ના રોજ નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો, અને તપાસ હાથ ધરવામાં આવી હતી. પૂર્વ એસપી શ્રીનગર, એસડીપીઓ નેહરુ પાર્ક અને એસએચઓ નિશાતની એક ટીમ તપાસનું નેતૃત્વ કરી રહી છે. આરોપી કિરણ પટેલની 3 માર્ચ, 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તે 17 માર્ચ, 2023 સુધીના પોલીસ રિમાન્ડમાં હતો. આ કેસમાં અનેક સંબંધિત વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. આ કેસ તપાસના પ્રાથમિક તબક્કે છે. આ કેસની વધુ વિગતો પછીથી શેર કરવામાં આવશે, તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.