સ્પોર્ટસ

સરકારે રેસલિંગ એસોસિએશનના કામકાજ પર દેખરેખ રાખવા માટે એક કમિટીની રચના કરી, મેરી કોમ રહેશે પ્રમુખ

કુસ્તીબાજોની હડતાલ બાદ સરકારે રેસલિંગ એસોસિએશનની કામગીરી જોવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિના સભ્યોના નામ સોમવારે (23 જાન્યુઆરી) જાહેર કરવામાં આવ્યા છે. ઓલિમ્પિયન અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર મેરી કોમને આ સમિતિની અધ્યક્ષ બનાવવામાં આવી છે. રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા માટે એક મોનિટરિંગ કમિટીની જાહેરાત કરી હતી.

કુસ્તીબાજોના આરોપો બાદ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહને કુસ્તી સંઘની કામગીરી પર દેખરેખ રાખવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સમિતિના સભ્યોમાં ઓલિમ્પિયન કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા તૃપ્તિ મુરુગાંડે, કેપ્ટન રાજગોપાલન, રાધા શ્રીમાનનો સમાવેશ થાય છે.

બ્રિજ ભૂષણ સિંહ તેમના પદ પર કામ કરશે નહીં

કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બ્રિજભૂષણ શરણ સિંહ તેમના પદ પર કામ નહીં કરે, તેનાથી દૂર રહેશે. તેમના પર લાગેલા ગંભીર આરોપોની તપાસ કરવામાં આવશે. અમે મેરી કોમને સમિતિના અધ્યક્ષ બનાવી રહ્યા છીએ. મેરી કોમની અધ્યક્ષતામાં પાંચ લોકોની કમિટી બનાવવામાં આવશે. હવે આ મોનિટરિંગ કમિટી રેસલિંગ એસોસિએશનનું કામ જોશે. કેન્દ્ર સરકારે શનિવારે કહ્યું હતું કે જ્યાં સુધી દેખરેખ સમિતિની ઔપચારિક નિમણૂક ન થાય ત્યાં સુધી રેસલિંગ ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા સરકાર તરફથી ખાતરી મળ્યા બાદ ખેલાડીઓએ શુક્રવારે મોડી રાત્રે તેમની હડતાળ ખતમ કરી દીધી હતી.

WFI એ આરોપોને ફગાવી દીધા

બ્રિજભૂષણ શરણ સિંહે તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કુસ્તીબાજોના આરોપો બાદ રમત મંત્રાલયે WFI પાસેથી 72 કલાકમાં જવાબ માંગ્યો હતો. જેના પર WFIએ પ્રમુખ સામેના જાતીય સતામણી સહિતના તમામ આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે સ્પોર્ટ્સ બોડીમાં સરમુખત્યારશાહી અને ગેરવહીવટને કોઈ અવકાશ નથી.

કુસ્તીબાજોએ ધરણા કર્યા

નોંધનીય છે કે વિનેશ ફોગટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા, અંશુ મલિક, સંગીતા ફોગાટ અને સોનમ મલિક સહિત અન્ય કુસ્તીબાજોએ બુધવારે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કર્યા હતા. કુસ્તીબાજોએ જાતીય સતામણી અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા WFI ચીફને હટાવવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન શા માટે 26 જાન્યુઆરીએ તિરંગો ફરકાવતા નથી ? જાણો તેની પાછળનું કારણ

Back to top button