ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

સાંસદોના આઈફોન સ્નૂપિંગ કેસમાં સરકારે એપલને પણ નોટિસ પાઠવી

  • સાંસદો મહુઆ મોઇત્રા, શશિ થરૂર સહિતના નેતાઓને મળેલા ‘સરકાર પ્રાયોજિત’ હુમલાની ચેતવણીનો મામલો  
  • CERT-In એ Appleની ‘હેકિંગ’ અંગે મળેલી ચેતવણીઓની તપાસ શરૂ કરી : IT સેક્રેટરી
  •  ‘સરકાર પ્રાયોજિત’ હુમલા અંગે નેતાઓને મળેલી ચેતવણીને લઈ સરકારે એપલને મોકલી નોટિસ

દિલ્હી : ભારતની સાયબર સુરક્ષા એજન્સી ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે (CERT-In) કેટલાક વિરોધ પક્ષના રાજકારણીઓ જેવા કે મહુઆ મોઇત્રા, શશિ થરૂર સહિતના 7 સાંસદોના દાવા બાદ તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે આ મામલાને ગંભીરતાથી લઇને આઈફોનની કંપની એપલને પણ આ કેસમાં નોટિસ પાઠવી છે. વિપક્ષના સાંસદો તથા અન્ય નેતાઓએ એવો આક્ષેપ કર્યો છે કે તેઓને તેમના iPhones પર “સરકાર દ્વારા પ્રાયોજિત” હેકિંગના પ્રયાસ વિશે ચેતવણી આપતી સૂચનાઓ પ્રાપ્ત થઈ છે. “એપલને આ અંગે નોટિસ મોકલવામાં આવી છે” એ બાબતને IT સચિવ એસ. કૃષ્ણને ગુરુવારે સમર્થન આપ્યું હતું.

 

IT મંત્રી અને સેક્રેટરીએ શું કહ્યું ?

IT સેક્રેટરી એસ કૃષ્ણને એવી આશા વ્યક્ત કરી હતી કે, “CERT-Inએ તેની તપાસ શરૂ કરી દીધી છે. Apple આ મુદ્દે CERT-In દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં સહકાર આપશે.,” આ દરમિયાન, IT પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ‘એપલે સ્વીકાર્યું છે કે તેને તપાસ માટે મોકલવામાં આવેલી નોટિસ મળી છે. સરકાર આરોપો અંગે “ચિંતિત” છે, આ મુદ્દા પર Apple દ્વારા આપવામાં આવેલી મોટાભાગની માહિતી અસ્પષ્ટ લાગે છે. સરકાર આ મુદ્દાને લઈને ચિંતિત છે અને તેનું સચોટ પરિણામ સુધી જશે. અમે પહેલાથી જ તેની તપાસનો આદેશ આપી દીધો છે. એપલ આ સૂચનાઓ કદાચ ‘અધૂરી અથવા અપૂર્ણ’ માહિતીના આધારે જણાવે છે. એપલ એ પણ જણાવે છે કે કેટલીક ચેતવણીની સૂચનાઓ ખોટા એલાર્મ હોઈ શકે છે અથવા કેટલાક હેકિંગ શોધી શકાતા નથી.’

અગાઉ મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ ઉપર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે, “ભારત સરકાર તમામ નાગરિકોની ગોપનીયતા અને સુરક્ષાના રક્ષણની તેની ભૂમિકાને ખૂબ જ ગંભીરતાથી લે છે. આવી માહિતીને ગંભીરતાથી લઈ અમે એપલને કથિત સરકાર પ્રાયોજિત હુમલાઓની વાસ્તવિક, સચોટ માહિતી સાથે તપાસમાં જોડાવા માટે પણ કહ્યું છે. ”

CERT-In શું છે?

ઇન્ડિયન કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ અથવા CERT-In એ કમ્પ્યૂટર સુરક્ષાની ઘટનાઓ જ્યારે પણ બને છે ત્યારે તેનો જવાબ આપવા માટેની રાષ્ટ્રીય નોડલ એજન્સી છે.

આ પણ જાણો :તમારા આઇફોન સાથે હેકિંગથી ચેડાં થતા હોય તો એ જાણવા એપલ આપે છે આ સુવિધા

Back to top button