પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાને નિહાળીને G-20 ડેલિગેટસ થયા અભિભૂત
સફેદ રણ ધોરડો કચ્છ ખાતે પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠકમાં ભાગ લેવા માટે જ G-20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ તેમજ સહભાગીઓ પધાર્યા છે ત્યારે આજરોજ બેઠકના ત્રીજા દિવસે પ્રતિનિધિઓ અને સહભાગીઓએ કચ્છના ખદીર બેટમાં સ્થિત પાંચ હજાર વર્ષ જૂની સભ્યતાના મહાનગર ધોળાવીરાની મુલાકાત લીધી હતી.
કચ્છી સંસ્કૃતિ મુજબ ડેલિગેટ્સનું સ્વાગત કરાયું
વૈશ્વિક ધરોહર ધોળાવીરા પહોંચતા જ કચ્છી સંસ્કૃતિ મુજબ ડેલિગેટ્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોળાવીરા મ્યૂઝિયમ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા ડેલિગેટ્સને આવકાર આપીને હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.
ધોળાવીરા વિશે જાણીને ડેલિગેટ્સ થયા પ્રભાવિત
ઉષ્માભર્યા સ્વાગત બાદ ડેલિગેશનએ હડપ્પીય સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી. કેવી રીતે ધોળાવીરા મહાનગરનો વિકાસ થયો અને નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઊપસી આવ્યું તેના વિશે જાણીને ડેલિગેટ્સ પ્રભાવિત થયા હતા.
આ મુલાકાત દરમિયાન હડપ્પીય સંસ્કૃતિ, રહેણીકરણી, મહાનગરમાં પાણી સંગ્રહની અદભૂત વ્યવસ્થા તેમજ સુરક્ષિત દિવાલો વિશે વિગતવાર માહિતી ડેલિગેટસને અપાઇ હતી. પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી, સુઆયોજિત સ્ટેપ વેલ, અપર ટાઉન, મિડલ ટાઉન અને લોવર ટાઉન વગેરે જોઈને ડેલિગેટ્સ રોમાંચિત થયા હતા.
આ અધિકારીઓ પણ રહ્યા હાજર
આ મુલાકાત દરમિયાન ભારત સરકાર ટૂરિઝમ વિભાગના સેક્રેટરી અરવિંદ કુમાર, પુરાતત્વીય વિભાગના એડીજી જાન્હવિજ શર્મા, ગુજરાત ટૂરિઝમ વિભાગના સેક્રેટરી હારિત શુક્લા, ગુજરાત ટુરિઝમ વિભાગના એમડી આલોક પાંડે, ગુજરાત ટૂરિઝમ વિભાગના જોઈન્ટ એમડી હનુમંતસિંહ જાડેજા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સીંઘ સહિત પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : હવે મહિલાઓને મસ્જિદની અંદર નમાજ પઢવા જઈ શકશે, AIMPLB કોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું