મોરબી પુલના FSL રિપોર્ટમાં ખુલાસો, જાણો- 135 લોકોના મોતનું કારણ શું ?
મોરબી પુલ હોનારત બાદ પુલનો FSL રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં બ્રિટિશ સ્ટ્રક્ચર્ડ પુલનું રિનોવેશન ઘણી ખરાબ રીતે થયાનું ખુલ્યું છે. નોંધનીય છે કે, 30 ઓક્ટોબરનાં રોજ મોરબી પુલ હોનારતમાં 135 લોકોનાં જીવ ગયા હતા. અકસ્માતના ગુનામાં પકડાયેલા નવ પૈકીના 8 આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન મોરબીની સ્થાનિક કોર્ટમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.
આ કોર્ટની કાર્યવાહીમાં એ પણ જણાવવામાં આવ્યું હતુ કે, oreva ગ્રુપે બ્રિજનો જેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમણે 30 ઓક્ટોબરના રોજ 3165 ટિકિટ ઈસ્યુ કરી હતી. જેમાં તેમણે કઇ રીતે આ બ્રિજ આટલા માણસોનું વજન ખમી શકશે તે પણ વિચાર્યું ન હતુ. બ્રિજની ટિકિટ આપવા માટે બે માણસો રાખવામાં આવ્યા હતા પરંતુ તે બંને વચ્ચે કોઈ તાલમેલ ન હતો. તેમને ખબર ન હતી કે બીજાએ કેટલી ટિકિટ ઇસ્યુ કરી છે. આટલી બધી ટિકિટ ઇસ્યુ કરવા અંગે પણ તેમની પાસે કોર્ટમાં કોઇ જવાબ ન હતો.
FSL રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, બ્રિજના મોટાભાગના મહત્ત્વના ભાગો પર કાટ લાગેલો હતો અને ઢીલા થઈ ગયા હતા. સોમવારે જ્યારે આઠ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઇ રહી હતી ત્યારે મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ અને સેશન જજ પી. સી. જોષી સામે આ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
આ આરોપીઓમાં ત્રણ સિકયુરિટી ગાર્ડ અલ્પેશ ગોહીલ, દિલીપ ગોહીલ અને મુકેશ ચૌહાણે જામીન માટે અરજી કરી હતી. આ કાર્યવાહીમાં જાણવા મળ્યું કે આ લોકોને કોઈ ટ્રેનિંગ આપવામાં આવી ન હતી. તેઓ માત્ર લેબર કોન્ટ્રાક્ટર જ હતા. તેમાં તે પણ જણાવવામાં આવ્યુ હતુ કે, તે દિવસે તેમને ભીડને કાબુમાં રાખવા માટેની જવાબદારી આપવામાં આવી હતી.
કાર્યવાહીમાં એ પણ જણાવવામાં આવ્યું કે, એક મેનેજરનું કામ હતું કે તે સ્ટાફને જણાવે કે એકસાથે બ્રિજ પરથી 100 લોકો જ જઈ શકે. આ લોકો બ્રિજ પરથી નીચે ઉતરે તે બાદ જ અન્ય લોકોને ત્યાં મોકલવામાં આવે. જોકે, આવું થયુ ન હતું તેથી તેની પર કલમ 304 લાગુ થશે.
ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ વકીલે વાતચીતમાં જણાવ્યું કે, FSL રિપોર્ટ પ્રમાણે, બ્રિજના કેબલ પર કાટ લાગેલો હતો, તેઓ તૂટી ગયા હતા, જે દોરીને બ્રિજ સાથે બાંધી રાખે તે એન્કર પણ ઢીલા હતા. મ્યુનિસિપાલટીએ oreva ગ્રુપને બ્રિજના સમારકામ, કેબલ, બોલ્ટ, એન્કરનાં રખરખાવનું કામ આપ્યું હતુ. તેમણે એ પણ જણાવ્યુ કે, oreva ગ્રુપને આની સમારકામની જવાબદારી આપી હતી, પરંતુ તેણે લાઇફગાર્ડ કે કોઇ બોટ કે કોઈ સ્વીમર કોઈની વ્યવસ્થા કરી ન હતી.
બંને છેડે ત્રણ ગાર્ડ હતા અને તેમની ફરજ હતી કે, બ્રિજ પર લોકોની સંખ્યા વધે તો દરવાજો બંધ કરી દે. જોકે, તેઓએ આમ કરવાની દરકાર કરી ન હતી. એક ગાર્ડ, જે વ્યવસ્થા જાળવવા પુલની વચ્ચે હતો, તે નદીમાં પડ્યો પણ બચી ગયો.
ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી કે, તેણે ન તો લોકોને પુલ હલાવવા જેવા બેફામ વર્તનથી રોકયા કે ન તો તેના ઉપરી અધિકારી કે પોલીસને આ અંગેની માહિતી આપી. જાનીએ ઉમેર્યું, ‘અમને ઓરેવા ગ્રૂપ તરફથી ઘણી બેદરકારી જોવા મળી છે.’