21 મે, પેરીસ: આ વર્ષની ફ્રેંચ ઓપન એ મહાન ટેનીસ ખેલાડી રફેલ નાદાલની અંતિમ ફ્રેંચ ઓપન બની રહેશે. આ સાથે નાદાલ પોતાની 19 વર્ષની ફ્રેંચ ઓપનની કરિયરનો પણ અંત લાવશે. નાદાલે આ 19 વર્ષની કેરિયરમાં કુલ 14 ટાઈટલ જીત્યા છે. સ્પેનના આ મહાન ટેનીસ ખેલાડીને 22 વખત ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ પણ જીતી છે.
જ્યારે નાદાલ ટીનેજર હતો ત્યારે 2005માં તેણે રોલાં ગેરો ખાતે રમાતી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ પહેલી વખત જીતી લીધી હતી. નાદાલને ક્લે કોર્ટનો કિંગ પણ કહેવામાં આવે છે. આવનારા સોમવારે રફેલ નાદાલ પોતાનો 38મો જન્મ દિવસ ઉજવશે.
એક સમયે વિશ્વનો નંબર 1 ટેનીસ ખેલાડી ગણાતો નાદાલ હવે 276માં નંબરે છે અને તેણે ગયા વર્ષની શરુઆત બાદ અત્યાર સુધી ફક્ત 15 મેચ જ રમી છે. આ થવા પાછળનું કારણ નાદાલની થાપાની ઇન્જરી છે. આમ પણ નાદાલ અને ઈજા વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. નાદાલે પોતાની સમગ્ર કરિયરમાં ઈજાને કારણે 12 ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ ગુમાવી છે.
ગયા અઠવાડિયે રોમમાં આયોજિત ઈટાલીયન ઓપન દરમ્યાન નાદાલે કહ્યું હતું કે તે પોતાના સો ટકા આપીને આ વર્ષની ફ્રેંચ ઓપનમાં રમશે. તેણે ઉમેર્યું હતું કે તેને ખ્યાલ છે કે સો ટકા આપવા એ પૂરતા નથી. પરંતુ હું હારી જઈશ એમ વિચારીને તો કોર્ટ પર નહીં જ ઉતરું. જો મારી જીતના 0.01% ચાન્સ પણ હશે તો પણ હું રમવા જરૂર ઉતરીશ.
14 ફ્રેંચ ઓપન ટાઈટલ્સ જીતવા ઉપરાંત રફેલ નાદાલે અહીં 112 મેચોમાં જીત મેળવી છે અને ફક્ત 13 મેચોમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ ત્રણમાંથી પણ બે હાર તો તેણે પોતાના પરંપરાગત પ્રતિદ્વંદ્વી નોવાક જોકોવિચ સામે મેળવી છે.
નોવાક જોકોવિચને પણ આ વર્ષની ફ્રેંચ ઓપન જીતવી અત્યંત મહત્વનું છે. તેણે અત્યાર સુધી 3 ફ્રેંચ ઓપન જીતી છે જે તેને સ્પેનના ગુસ્તાવો કુર્તન, મેટ્સ વિલેન્ડર અને ઇવાન લેન્ડલની સાથે ઉભો કરી દે છે. પરંતુ જોકોવિચે આ ટુર્નામેન્ટ 2018 બાદ જીતી નથી તે તેના માટે ચિંતાની વાત જરૂર છે.
આ મહિનામાં ઈટાલીમાં રમાયેલી ઈટાલીયન ઓપનની ફાઈનલમાં પણ તેની હાર થઇ હતી.