25 વર્ષથી પણ વધુ સમય કોંગ્રેસમાં રહેલા પૂર્વ ધારાસભ્ય આખરે ભાજપમાં જોડાયા


ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી નજીક આવતા પક્ષ પલટાની ઘટનાઓ પણ વધી રહી છે. આ ચૂંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા આજે ભાજપમાં જોડાયા છે. સાબરકાંઠાનાં પ્રાંતિજનાં પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ગઇકાલે તેઓએ કોંગ્રેસને અલવિદા કહી કહી દીધું હતું અને આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે. કમલમ ખાતે તેઓનું પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું.
શું કહ્યું મહેન્દ્ર સિંહ બારૈયાએ ભાજપમાં જોડાવવા અંગે ?
મહેન્દ્ર સિંહ બારૈયાએ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે,આજે શ્રાવણ માસના શુભ દિને હું ભાજપમાં જોડાયો છું. દેશના વિકાસની રાજનીતિ માટે હું ભાજપમાં જોડાયો છું. ગુજરાતનો વિકાસ થયો છે, તે માટે ભાજપમાં જોડાયો છું. કોંગેસના MLA ચૂંટાયા છતાં વિકાસની રાજનીતિના કારણે ક્યારેય તકલીફ નથી પડી. વિકાસના કામો અંગે સરકારે ક્યારેય ના નથી પાડી.
છેલ્લા ઘણાં સમયથી મહેન્દ્ર બારૈયા અંગે અટકળો ચાલી રહી હતી. આખરે પૂર્વ MLA મહેન્દ્રસિંહ બારૈયાએ ગઇકાલે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. ગઇકાલે તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે અંતે તેઓ આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે.
આ પણ વાંચો : રાજ્ય સરકારનો માજી સૈનિકોની માગણીને લઈ મહત્વનો નિર્ણય, ત્રણ સહાયની કરી જાહેરાત
પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાની રાજકીય કારકિર્દી
પ્રાંતિજના મહેન્દ્રસિંહ બારૈયાએ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓએ 1998થી રાજકારણમાં ડગલું માંડયું હતું. જ્યાં તેઓ પ્રાંતિજ તાલુકા કોંગ્રેસમાં મહામંત્રી બન્યા હતા. તો બીજી બાજુ 2002માં જિલ્લા કોંગ્રેસના મહામંત્રીનું પણ પદ સંભાળ્યું હતું. વર્ષ 2002 અને 2007માં પ્રાંતિજ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મુખ્ય એજન્ટ રહ્યાં હતા. એ સિવાય તેઓ પ્રાંતિજ માર્કેટિંગ યાર્ડમાં 2007 અને 2010માં બે વાર ડિરેક્ટરના પદે પણ રહ્યાં હતા. 2017માં ફરીથી મહેન્દ્રસિંહ બારૈયા પ્રાંતિજ વિધાનસભામાં કોંગ્રેસમાંથી ઉમેદવાર રહ્યાં હતા કે જ્યાં 2551 મતથી તેઓની હાર થઇ હતી.