ગુજરાત

પાટડીમાં આવેલા શક્તિ માતાના મંદિર બાવન ગજની ધજા ચડાવવામાં આવી

Text To Speech

પાટડીઃ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શક્તિમાતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે આપેલા વચન મુજબ હરપાળદેવ અને શક્તિમાતાએ એક રાતમાં 2300 ગામોને તોરણ બાધ્યાં હતા. જેમાં પહેલું તોરણ પાટડીના ટોડલે બાધ્યું હતુ અને દિ’ ઉગતા પહેલા છેલ્લું તોરણ દિગડીયા ગામે બાધ્યું હતું. આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા. ત્યારે આજ રોજ પાટડી શક્તિમાતાની પ્રાગટ્યભૂમિમાં સૌરાષ્ટ્રના ભક્ત દ્વારા બાવન ગજની ધજા ચઢાવાઇ હતી. કોરોનાની બીજી ઘાતક લહેરમાં જીવ બચવાની સાથે મનોકામના પૂર્ણ થતાં સૌરાષ્ટ્રના શક્તિમાતાના એક ભક્તે પાટડી શક્તિમાતાના મંદિરે વાજતે ગાજતે બાવન ગજની ધજા ચઢાવાઇ હતી.

હરપાળદેવ જેવા મહાપ્રતાપી રણવીરની જીવનસંગીની બનનાર શક્તિદેવી એક જાજલ્યવાન વિરાંગના હતી. એના વિરત્વને જોઇને ભલભલા વિરલા પણ મોંમા આંગળા નાખી જતા. શક્તિદેવીએ પ્રતાપસિંહ સોલંકીની અખૂટ શક્તિ ધરાવતી નીડર અને પ્રતિભાવંતી પુત્રી હતી. એક શક્તિશાળી સ્ત્રી આપબળે સંસારની જગદંબા બની શકે છે એનું એક સચોટ ઉદાહરણ આ શક્તિદેવી હતાં. ગુજરાતમાં જે સમયે સોલંકી વંશના રાજાઓનું સાર્વભૌમત્વ હતું. એ સમય ગુજરાતનો સુવર્ણકાળ ગણાયો છે. એવા સુવર્ણકાળમાં વિ.સં. 1156માં મહાપરાક્રમી હરપાળદેવે પાટડીમાં મખવાન (મકવાણા) વંશની સ્થાપના કરી હતી. હરપાળદેવ અને શક્તિદેવી બે મહાશક્તિશાળી આત્માઓનું પાટડીની ભૂમિ પર મિલન થયુ હતુ.

પાટડીમાં બનેલા એક પ્રસંગથી માં શક્તિદેવીનું દૈવીપણું જાહેર થઇ ગયુ એટલે તેઓ ત્યાંથી ચાલી નિકળ્યા અને વિ.સં.1171 ચૈત્ર વદ 13ન‍ા દિવસે ધામા ખાતે ધરતીમાં સમાયાં હતા. ત્યારથી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી પાટડી અને સમાધિ સ્થળ ધામામાં દર વર્ષે ચૈત્ર વદ-13ના રોજ ઝાલા કુળનો વંશજ પોતાના પરિવારજનો સાથે માથે તિલક અને કેસરી સાફો તથા હાથમાં તલવાર લઇ પાટડી અને શક્તિધામ ધામા મંદિરમાં દર્શનાર્થે અચૂક જાય છે. આજે એ બન્ને જગ્યાએ શક્તિમાતાનું ભવ્ય મંદિર ઊભું છે.

શક્તિમાના ધરતીમા સમાઇ ગયા બાદ હરપાળદેવ 16 વર્ષ ધામામાં પોતાનું શેષજીવન વિતાવે છે અને વિ.સં. 1186માં ધામામાં પોતાના દેહનો ત્યાગ કરે છે. પાટડી શક્તિમાતાની પ્રાગટ્ય ભૂમી અને ધામાએ શક્તિમાતાનું સમાધિસ્થળ છે. પાટડીમાં જે ટોડલે શક્તિમાતાએ અને હરપાળદેવે પ્રથમ તોરણ બાધ્યું હતું એ ટોડલા પાટડીના ભવ્ય ભૂતકાળની ગવાહી પૂરતા આજે પણ પાટડીમાં અડીખમ ઉભા છે. ત્યારે આજ રોજ પાટડી શક્તિમાતાની પ્રાગટ્યભૂમિમાં સૌરાષ્ટ્રના ભક્ત દ્વારા બાવન ગજની ધજા ચઢાવાઇ હતી. કોરોનાની બીજી ઘાતક લહેરમાં જીવ બચવાની સાથે મનોકામના પૂર્ણ થતાં સૌરાષ્ટ્રના શક્તિમાતાના એક ભક્તે પાટડી શક્તિમાતાના મંદિરે વાજતે ગાજતે બાવન ગજની ધજા ચઢાવાઇ હોવાનું મંદિરના વ્યવસ્થાપક રસિકભાઇ પટેલ અને જગદિશભાઇ પંચાસરાએ જણાવ્યું હતુ.

Back to top button