દેશમાં સૌપ્રથમ સમુદ્રી સીમા દર્શનનો કચ્છ જીલ્લા લક્કી નાલા વિસ્તારમાં પ્રારંભ
- સમુદ્રી સીમા દર્શનનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
- સ્થળ પર હાજર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને કચ્છ કલેકટર સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી ફરકાવીને પ્રથમ બોટ રાઈડની શરુઆત કરાવી
કચ્છ, 16 ફેબ્રુઆરી: દેશમાં અટારી અને નડાબેટ ખાતે સરહદ સીમા દર્શન યોજાય છે, પરંતુ હવે સૌપ્રથમ વખત સમુદ્રી સીમાદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે 16 ફેબ્રુઆરીને શુક્રવારે કચ્છમાં આ પ્રયોગનો પ્રારંભ થયો હતો. ગુજરાત ટુરિઝમ દ્વારા ભૂ-સીમા નડાબેટ બાદ હવે કચ્છના અખાતમાં સરક્રિક પાસે આવેલી આંતર રાષ્ટ્રીય સીમા પાસે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ થકી બોર્ડર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાનું આયોજન કરાયું છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સમુદ્રી સરહદ વિશે જાણકારી મેળવે તેમજ અહીંની સરહદ પર તૈનાત આપણાં સીમા પ્રહરી એવા બીએસએફના જવાનોની કામગીરીથી પરિચિત થાય તે હેતુથી ભારતમાં પ્રથમ વખત શુક્રવારથી “સમુદ્રી સીમાદર્શન”નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતના કચ્છ જીલ્લામાં આવેલા કોટેશ્વર તીર્થધામ નજીક લક્કી નાલા વિસ્તાર જે આજદિન સુધી પ્રતિબંધિત હતો પણ હવે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
- આ પ્રોજેક્ટ થકી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડરને જોડતા દરિયા વિસ્તારમાં બોટ રાઈડમાં પણ ભાગ લઈ શકાશે. તથા આ રીતે એડવેન્ચર ટુરિઝમની એક નવી પહેલ શરૂ થવા જઈ રહી છે.
આ બોટ રાઈડનું સંચાલન મેરી ટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. હાલ ના તબક્કે ૬ સીટર, ૧૨ સિટર અને ૨૦ સીટર આમ અલગ અલગ બોટ ફાળવવામાં આવેલી છે. જે પૈકી 6 સીટરની એક બોટ સ્થળ પર કાર્યરત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમુદ્રની ભરતી-ઓટના સમયને ધ્યાને રાખીને આ બોટ-રાઈડ ચલાવવામાં આવશે. ટૂંક સમયમાં અહીં પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં ફ્લોટિંગ જેટી, વોચ ટાવર, મરીન ઇન્ટરપ્રીટેશન સેન્ટર, મેન્ગ્રુંવ વૉક, ફૂડ કિઓસ્ક, ઇન્ફોર્મેશન સેન્ટર, કન્વેશન સેન્ટર, પબ્લિક યુટિલિટી, BSF ઈન્ટરેકશન ફેસિલિટી, ભૂંગા રિસોર્ટ, એડવેન્ચર પાર્ક, નેચર ટ્રેઈલસ વગેરેનો સમાવેશ થાય છે.
અત્રેએ નોંધનીય છે કે આ પ્રોજેક્ટમાં ગુજરાતના પ્રવાસનની સાથે સાથે જ બીએસએફ, ફોરેસ્ટ વિભાગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ પણ સહયોગી છે જેથી આ સુવિધા થકી ક્રિક વિસ્તારમાં વિકાસના નવા દ્વાર ખૂલ્યા છે. થોડા સમયમાં જ બોર્ડર રાઈડ ની સાથે સાથે પ્રવાસીઓને દરિયાઈ વિસ્તારમાં આવેલા ટાપુઓ પર પણ લઈ જવામાં આવશે જ્યાં મેન્ગ્રુવનાં જંગલો બતાવવામાં આવશે જેથી સમુદ્રી સીમામાં બોટ રાઈડ, ટાપુની મુલાકાતની સાથે “મેન્ગ્રુવ સફારી”નો પ્રવાસીઓને યાદગાર અનુભવ આપશે.
ગુજરાત ટુરિઝમની નારાયણ સરોવર, કચ્છ ખાતે આવેલી હોટલ તોરણ ખાતેથી પ્રવાસીઓ આ બોટ રાઈડના બુકિંગની માહિતી મેળવી શકશે. ઉપરાંત લક્કી નાલા ખાતે પણ રૂબરૂ મુલાકાત લઈને બોટ રાઈડનું બુકિંગ મેળવી શકશે.
આ પણ વાંચો: શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન: 13 લાખ લોકોએ કરી પરિક્રમા