ગંગાસતી અને લોયણ વિશે રસતરબોળ સત્ર સાથે પ્રથમ સંત સાહિત્યપર્વનું સમાપન
![સંત સાહિત્ય પર્વ - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/Untitled-design-41.jpg)
અમદાવાદ, 5 જાન્યુઆરી, 2025: ગંગાસતી અને લોયણ વિશે રસતરબોળ સત્ર સાથે પ્રથમ સંત સાહિત્યપર્વનું આજે સમાપન થયું હતું. સતત પાંચ દિવસ ચાલેલા આ પર્વ દ્વારા ગુજરાતના પ્રાચીન સંતો અને તેમની ભક્તિસભર રચનાઓ વિશે જાણવાનો અને માણવાનો અનેક શ્રોતાઓએ લહાવો લીધો હતો.
આ ‘સંત સાહિત્યપર્વ‘નું ૦૧થી ૦૫ જાન્યુઆરી, ૨૦૨૫ સળંગ પાંચ દિવસ, બુધવારથી રવિવાર સુધી સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ(આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશિષ્ટ ઉપક્રમના આજે પાંચમા અને અંતિમ દિવસે ૦૫ જાન્યુઆરી, રવિવારના રોજ સંત ‘ગંગાસતી’ વિશે વસંત ગઢવીએ અને સંત ‘લોયણ’ વિશે નાથાલાલ ગોહિલે મનનીય વક્તવ્ય આપ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
![સંત સાહિત્ય પર્વ - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/વસંત-ગઢવી.jpg)
નોંધપાત્ર છે કે, ‘સંત સાહિત્યપર્વ’ના આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે 1 થી 5 જાન્યુઆરી સુધી ‘સંત સાહિત્યપર્વ’ની ઉજવણી કરવી એવો ઓમ કોમ્યુનિકેશન સંસ્થાએ સંકલ્પ જાહેર કર્યો.
જાણીતા લેખક વસંત ગઢવીએ ગંગાસતી વિશે ખૂબ જ માર્મિક અને રસપ્રદ વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, ગંગાસતીનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો હતો. ગંગાસતીએ એક આદર્શ ગૃહસ્થ જીવન જીવીને મહાન કામ કર્યાં અને હરિ નામની હાટડી કરી છે. તેમણે ઉમેર્યું કે, ગંગાસતીની વાણીની પ્રભાવકતા અને અર્થસભર નોંધનીય છે. કેટલાયે વર્ષો પહેલાં ગંગાસતીએ ક્રાંતિકારી વિચારો આપ્યા હોવાનું શ્રી ગઢવીએ નોંધ્યું હતું.
![સંત સાહિત્ય પર્વ - HDNews](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/01/નાથાલાલ-ગોહિલ.jpg)
જ્યારે સંત લોયણ વિશે નાથાલાલ ગોહિલ ભાવવાહી વક્તવ્ય દ્વારા શ્રોતાઓને જકડી રાખ્યા હતા. તેમણે જણાવ્યું કે, સંત લોયણનો જન્મ 17મી સદીમાં અર્થાત 1689માં સૌરાષ્ટ્રમાં થયો હતો. સંત લોયણને નાનપણથી જ ઘરમાં ભજનનું વાતાવરણ મળ્યું હતું. શ્રી ગોહિલે માહિતી આપી કે લોયણના ગુરુ શેલરશી હતાં. શેલરશી વાસ્તવમાં પૂર્વાશ્રમમાં રાજવી હતાં. લોયણે ભજનમાં ભક્તિનો કઠિન માર્ગ બતાવ્યો છે. લોયણે ભજન આરાધ આપ્યાં છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, યોગ સાધનાને કારણે લોયણ યોગિની છે.
આ પણ વાંચોઃ પ્રેમાનંદ, મીરાં અને નરસિંહ કરતાં ધીરા ભગત જુદી ઘાટીના કવિ છેઃ કીર્તિદા શાહ
આ પણ વાંચોઃ અમદાવાદઃ સંત કવિ રાજે અને બાપુસાહેબ ગાયકવાડ વિશે જાણીને શ્રોતાઓ થયા મંત્રમુગ્ધ
આ પણ વાંચોઃ સંત સાહિત્ય પર્વના બીજા દિવસે દલપત પઢિયારે રવિસાહેબ અને નિરંજન રાજ્યગુરુએ દાસી જીવણ વિશે રસપ્રદ માહિતી આપી
આ પણ વાંચોઃ અમદાવાદઃ સંત સાહિત્યપર્વના અનોખા કાર્યક્રમનું આયોજન, જાણો ક્યાં સુધી લાભ લઈ શકશો?
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD