ગુજરાત ચૂંટણી : EVM-VVPATનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન પૂર્ણ, આચારસંહિતાનો ચુસ્ત અમલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ના બન્ને તબક્કાના મતદાન માટેની ચૂંટણી પ્રક્રિયા નિશ્ચિત શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. બન્ને તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી આયોજનબદ્ધ રીતે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થઈ રહ્યું છે. અત્યારસુધીમાં આચારસંહિતાના ભંગની એક પણ ગંભીર ફરિયાદ આવી નથી. એટલું જ નહીં, c-VIGIL મોબાઈલ એપ જેવા સરળ અને હાથવગા માધ્યમો હોવાથી સામાન્ય નાગરિકોમાં પણ આદર્શ આચાર સંહિતાના પાલન પ્રત્યે સારી સજાગતા જોવા મળી છે. મતદાન જાગૃતિ માટેના અમારા પ્રયત્નોને પણ સમાજના તમામ વર્ગોમાંથી પ્રોત્સાહક પ્રતિભાવ મળી રહ્યો છે. તમામ જિલ્લાઓમાં ચૂંટણી તંત્ર પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે.
આ પત્રકાર પરિષદમાં ગુજરાત પોલીસના એ.ડી.જી. (કાયદો અને વ્યવસ્થા) તેમજ સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર નરસિમ્હા કોમર, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્ય, સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અશોક પટેલ તેમજ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી અજય ભટ્ટ અને માહિતી નિયામક આર.કે.મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
EVM- VVPATનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન પૂર્ણ
મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમાં EVM અને VVPATના ફર્સ્ટ રેન્ડમાઈઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં આ કામગીરી પૂર્ણ કર્યા પછી ઈ.વી.એમ અને વી.વી.પેટ મશીનો જે –તે મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. તમામ મશીનોની યાદી પણ રાજકીય પક્ષોને આપવામાં આવી રહી છે. ભારતના ચૂંટણી પંચની તમામ સુચનાઓના ચુસ્ત પાલન સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ કામગીરી ચોકસાઈપૂર્વક ચાલી રહી છે. હરિફ ઉમેદવારોની યાદી આખરી થયા પછી તેમના પ્રતિનિધિઓની હાજરીમાં EVM અને VVPATના સેકન્ડ રેન્ડમાઈઝેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મતદાર ફોટો ઓળખકાર્ડ
મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અન્વયે 12 ઓગસ્ટથી 09 ઑક્ટોબર દરમ્યાન 16,51,905 મતદાર ફોટો ઓળખકાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ EPIC પ્રિન્ટ થઈ ગયા છે અને મતદારોને પોસ્ટ ઑફિસ મારફતે સ્પીડ પોસ્ટ દ્વારા વિનામૂલ્યે પહોંચતા કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા
80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો અને કોવિડ-19 પ્રભાવિત કે શંકાસ્પદ કક્ષામાં સમાવિષ્ઠ મતદારો પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શ્રીમતી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો મળીને 12,26,911 મતદારો નોંધાયા છે. દરેક જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા સંભાળી રહેલાં કર્મચારીઓ આવા મતદારોની રૂબરૂ મુલાકાત લઈ રહ્યાં છે. અત્યારસુધીમાં 7,77,604 મતદારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. જે મતદારો મતદાન મથક સુધી જઈ શકે તેમ નથી તેવા મતદારો ફોર્મ 12-ડી ભરી રહ્યાં છે. અત્યારસુધીમાં આવા 4,93,310 મતદારોને ફોર્મ-12 ડી આપવામાં આવ્યું છે.
ઓબ્ઝર્વર્સ
મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સુચારૂ સંચાલન અને દેખરેખ માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર્સ અને પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થાય એટલુ જ નહિં, ઉમેદવારોના ખર્ચ પર દેખરેખ રાખવા માટે પણ ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ તબક્કાનું મતદાન જ્યાં થવાનું છે તે વિસ્તારો માટે 58 જનરલ ઓબ્ઝર્વર્સ, 21 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 36 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામા આવી છે જ્યારે બીજા તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે વિસ્તારો માટે 56 જનરલ ઓબ્ઝર્વર્સ, 15 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 33 ખર્ચ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યારે 114 જનરલ ઓબ્ઝર્વર્સ, 36 પોલીસ ઓબ્ઝર્વર્સ અને 69 ખર્ચ ઓબ્ઝર્વર્સ ફરજ બજાવી રહ્યા છે.
ખર્ચ દેખરેખ નિયંત્રણ
ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા રાજ્યમાં હાલમાં 611 ફ્લાઈંગ સ્કૉડ અને 802 સ્ટેટીક સર્વેલન્સ ટીમો કાર્યરત છે. અત્યાર સુધીમાં રૂ.7,188 લાખની કુલ જપ્તી કરવામાં આવી છે, જેમાં રૂ.66 લાખની રોકડ, રૂ.385 લાખની કિંમતનો દારૂ, રૂ.94 લાખનું ડ્રગ્સ અને રૂ.187 લાખની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. જ્યારે રૂ.6,456 લાખની કિંમતની અન્ય ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ રમકડાં, મોટરકાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન વગેરેનો સમાવેશ થાય છે.
આચારસંહિતાનો અમલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછી અત્યારસુધીમાં સરકારી ઈમારતો અને સરકારી સંકુલો પરથી 2,28,981 અને ખાનગી મિલકતો કે સંકુલો પરથી 44,233 પોસ્ટર્સ, બેનર્સ કે જાહેરાતો દૂર કરવામાં આવ્યા છે. આટલા દિવસો દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગની કોઈ ગંભીર ફરિયાદ મળી નથી.